
જમ્મુ-કાશ્મીરમાં મૌસમનો મિજાજ બદલાયો સોનમર્ગ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષા જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે વરસાદ અને બરફવર્ષાથી ચારેકોર સફેદ ચાદર છવાઈ, મુગલ રોડ અને જાેજિલા હાઇવે પ્રભાવિત
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના માહોલ વચ્ચે બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં હવામાને અચાનક પલટો લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ મેદાની વિસ્તારોમાં વરસાદ અને ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો સિલસિલો યથાવત રહ્યો છે. મધ્ય કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સોનમર્ગમાં આ સિઝનની પ્રથમ હિમવર્ષા નોંધાઈ છે, જેના કારણે ધરતીના સ્વર્ગ સમાન આ પ્રદેશમાં ચારેકોર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે.
હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ગુલમર્ગમાં ૪૦.૬ મિમી, કુપવાડામાં ૩૭.૩ મિમી, પહેલગામમાં ૨૨.૪ મિમી અને શ્રીનગરમાં ૧૬.૩ મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પીર કી ગલી, રજદાન પાસ, સાધના પાસ, વારવાન, મારવાહ અને સિન્થન ટોપ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં એક ફૂટ સુધીનો બરફ જામી ગયો છે.
ભારે હિમવર્ષા અને લપસણા રસ્તાઓને કારણે દક્ષિણ કાશ્મીરના શોપિયાંને પુંછ અને રાજૌરી સાથે જાેડતો વ્યસ્ત મુગલ રોડ તેમજ શ્રીનગર-લેહ હાઇવે (ઝોજિલા માર્ગ) પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, દિલ્હી-એનસીઆરની વાત કરીએ તો, પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો જાેવા મળ્યો છે. શનિવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૪૯ નોંધાયો હતો, જે અગાઉના દિવસના ૪૦૩ના આંકડા કરતા ઓછો છે. જાેકે, હવાની ગુણવત્તા હજુ પણ અત્યંત ખરાબ શ્રેણીમાં જ જળવાઈ રહી છે, જેના કારણે નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.




