
સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ અકસ્માત નહીં ષડયંત્ર સોનિયા ગાંધીના પુસ્તકના દાવા સામે SIT વડા રાકેશ અસ્થાનાના આકરા સવાલ રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે આ સમગ્ર ષડયંત્રના તાર પાકિસ્તાન સુધી જાેડાયેલા હોવાના પુરાવા મળ્યા હતા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તક ‘Belonging: A Journey of Love‘ માં વર્ષ ૨૦૦૨ના ગોધરા સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. પુસ્તકમાં ટ્રેનમાં આગ લાગવાના કારણ અંગે વિવાદ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની સામે સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડની તપાસ કરનાર ગુજરાત પોલીસની SIT નું નેતૃત્વ કરી ચૂકેલા રાકેશ અસ્થાનાએ સવાલો ઉઠાવ્યા છે. રાકેશ અસ્થાનાએ સ્પષ્ટ દાવો કર્યો છે કે ટ્રેનમાં લાગેલી આગ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ દેશને અસ્થિર કરવાના મોટા ષડયંત્રનો એક ભાગ હતો. તપાસ દરમિયાન સામે આવેલા તથ્યોની માહિતી આપતાં રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે આ સમગ્ર ષડયંત્રના તાર પાકિસ્તાન સુધી જાેડાયેલા હોવાના પુરાવા મળ્યા હતા. તે સમયે ગુપ્તચર વિભાગ (IB) તરફથી એવા ઇનપુટ પણ મળ્યા હતા કે અયોધ્યામાં સાધુના વેશમાં કમંડળ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવાનું અને અન્ય સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાનું આયોજન હતું. આ જ ષડયંત્રના ભાગરૂપે કારસેવકોથી ભરેલી સાબરમતી એક્સપ્રેસની બોગીને ટાર્ગેટ કરવામાં આવી હતી. અમન ગેસ્ટ હાઉસના માલિક અબ્દુલ રઝાક કુરકુરની તપાસ દરમિયાન પાકિસ્તાનથી આવેલા ફોન કૉલ્સ અને હિઝબુલના આતંકીઓની અવરજવરની વિગતો પણ સામે આવી હતી.
તપાસ પર રાજકીય દબાણ હોવાના દાવાઓને ફગાવતા અસ્થાનાએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે ગૃહમંત્રી તરફથી તપાસમાં કોઈપણ પ્રકારની દખલગીરી કે દબાણ કરવામાં આવ્યું નહોતું અને પોલીસને નિષ્પક્ષ રીતે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી. આ ઉપરાંત, જસ્ટિસ યુ.સી. બેનર્જી કમિશનના તે દાવાને પણ તેમણે ફગાવી દીધો હતો જેમાં કારસેવકો દ્વારા સ્ટવ પર રાંધવાને કારણે આગ લાગ્યાનું જણાવાયું હતું. અસ્થાનાએ યાદ અપાવ્યું કે હાઇકોર્ટે તે રિપોર્ટને રદ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ પણ ટ્રેનમાં આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાની વાત સ્વીકારી હતી.




