
રેલવે વિભાગમાં મોટો ખુલાસો સારો પગાર હોવા છતાં ૧.૮૨ લાખ કર્મચારીઓ પાસે નીકળ્યા રેશનકાર્ડ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત ચાલતી ચકાસણીમાં શંકાસ્પદ રેલવે કર્મીઓની યાદી સામે આવી સરકારી નોકરી અને સારો એવો પગાર મેળવતા હોવા છતાં કેટલાક કર્મચારીઓ દ્વારા સસ્તા અનાજની યોજનાનો લાભ લેવામાં આવી રહ્યો હોવાની એક ચોંકાવનારી બાબત સામે આવી છે. દેશભરમાં ચાલી રહેલા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) ના વેરિફિકેશન અભિયાન દરમિયાન રેલવેના ૧.૮૨ લાખથી વધુ સેવારત કર્મચારીઓ એવા મળી આવ્યા છે કે જેમણે નિયમો વિરુદ્ધ જઈને પોતાના નામે રેશન કાર્ડ બનાવી લીધા છે અને સરકારી અનાજનો લાભ મેળવી રહ્યા છે. આ ગંભીર મામલાને ધ્યાનમાં લઈને રેલવે બોર્ડ દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા ગત ૧૧ નવેમ્બરના રોજ સત્તાવાર પત્ર જારી કરીને તમામ કર્મચારીઓના રેશન કાર્ડની ઊંડાણપૂર્વક અને ગંભીરતાથી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નિયમો અનુસાર, કોઈપણ સરકારી વિભાગ કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ (PSU) માં નોકરી કરતા કર્મચારીઓ ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ સસ્તું અનાજ મેળવવા માટે કાયદાકીય રીતે પાત્ર ઠરતા નથી. રેલવે બોર્ડે સ્પષ્ટ સૂચના આપી છે કે જે કર્મચારીઓ નિર્ધારિત માપદંડો હેઠળ પાત્ર સાબિત થતા નથી, તેઓ કોઈપણ પ્રકારની દંડકીય કાર્યવાહીથી બચવા માટે સ્વેચ્છાએ પોતાનું રેશન કાર્ડ તાત્કાલિક સરેન્ડર કરી દે. જાેકે, તંત્ર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલ સામે આવેલી આ સંખ્યા સંભવિત મેચના આધારે છે, અને અંતિમ વેરિફિકેશન તથા કર્મચારીઓની વાસ્તવિક આર્થિક સ્થિતિની ચકાસણી બાદ જ કયો કર્મચારી પાત્ર છે કે નહીં તે સ્પષ્ટ થશે. આ કડક પગલાંને કારણે ગેરકાયદેસર રીતે અનાજ મેળવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.




