
ભારત પરત ફરતા લોકોની સંખ્યામાં પણ વધારો અરબ દેશોમાં ૯૦ લાખ ભારતીયોની નોકરી પર સંકટ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે અર્થવ્યવસ્થા પ્રભાવિત વધુ સારા પગાર અને ઉજ્જવળ ભવિષ્યની આશાએ અરબ દેશોમાં ગયેલા લાખો ભારતીયો માટે ૨૦૨૬નું વર્ષ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. અમરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત ચાલતા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ખાડી દેશોની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. જેના કારણે અંદાજે ૮૦ થી ૯૦ લાખ ભારતીય પ્રવાસીઓ પર નોકરી ગુમાવવાનું જાેખમ તોળાઈ રહ્યું છે, જેના કારણે ભારત પરત ફરતા લોકોની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે.
ખાડી દેશોમાં ભારતીયોની સ્થિતિ અને પડકારો – ખાડી દેશો એટલે કે યુનાઇટેડ આરબ અમિરાત (UAE), સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન જેવા દેશો ભારતીય કામદારો માટે રોજગારનું સૌથી મોટું કેન્દ્ર છે. પરંતુ વર્તમાન ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિએ આ લાખો લોકોના જીવનમાં અનિશ્ચિતતા લાવી દીધી છે. એક અંદાજ મુજબ, ખાડી દેશોમાં હાલમાં ૮૦ થી ૯૦ લાખ ભારતીયો વસે છે. આ વિશ્વના કોઈ પણ એક ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓની સૌથી મોટી સંખ્યા છે. આમાં મજૂર, ડ્રાઈવર અને ટેકનિશિયનથી લઈને ડોક્ટર, એન્જિનિયર અને મેનેજર જેવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે.
કયા સેક્ટરમાં સૌથી વધુ ભારતીયો? – ખાડી દેશોમાં ભારતીયોની વસ્તી વિવિધ ક્ષેત્રોમાં વહેંચાયેલી છે, પરંતુ સૌથી વધુ સંખ્યા બાંધકામ સેક્ટરમાં છે. યુદ્ધના લીધે અનેક બાંધકામ પ્રોજેક્ટ્સ અટવાને લીધે હાલ આ ક્ષેત્રના લાખો ભારતીયો સામે મોટી છટણી થવાનું જાેખમ છે. આ ઉપરાંત ઓઇલ અને ગેસની કિંમતોની અસ્થિરતાને લીધે આ ક્ષેત્રમાં કામ કરતા ભારતીયો પણ કોસ્ટ કટિંગના જાેખમનું સામનો કરી રહ્યા છે. તેમજ હોટેલ અને રેસ્ટોરેન્ટ, IT અને મેનેજમેન્ટ જેવી ફિલ્ડમાં પણ ભારતીય પ્રોફેનલ્સની નોકરીઓ પર જાેખમ તોળાઈ રહ્યું છે.
કયા રાજ્યના લોકો સૌથી વધુ પ્રભાવિત? – રિપોર્ટ મુજબ, ભારતના કેરળ, ઉત્તર પ્રદેશ, બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પંજાબના લોકો સૌથી વધુ સંખ્યામાં ખાડી દેશોમાં જાય છે. બિહાર અને યુપીના લોકો ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં છે, જેઓ અત્યારે સૌથી વધુ મુશ્કેલીમાં છે. આ દેશોમાં સૌથી વધુ ભારતીયો હોવાના કારણ વિશે વાત કરીએ તો, ખાડી દેશોમાં રોજગારીની સારી તકો હોય છે, ભારતીય નાણાં અને ખાડી દેશના નાણાંના વિનિમય દરમાં મોટું તફાવત,UAE જેવા દેશોમાં ટેક્સ ફ્રી આવક જેવી બાબતોને ધ્યાનમાં લઈને ભારતીયો આ દેશો તરફ વધુ આકર્ષિત થાય છે.
નોકરીઓ પર સંકટ કેમ? – અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. જેના કારણે ઘણી કંપનીઓએ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાનું માંડી વાળ્યું છે.
બીજી બાજુ, જે બાંધકામ પહેલાથી ચાલુ છે તેમને ભંડોળના અભાવે અથવા સુરક્ષાના કારણોસર રોકી દેવામાં આવ્યા છે. આ સ્થિતિનો તકની લઈને ઘણી કંપનીઓ કોસ્ટ કટિંગના નામે જૂના કર્મચારીઓને છૂટા કરી રહી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને પ્રવાસન ઉદ્યોગમાં પણ હાલ મંદી હોવાને લીધે આ ક્ષેત્રમાં પણ હાલ અનેક અનિશ્ચિતતાઓ છે.




