
ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને ૩૦થી ૪૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું. ભાટિયામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર, રાજ્યમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થવાને કારણે વાતાવરણમાં આ પલટો આવ્યો છે. આ બદલાયેલા માહોલને પગલે આગામી બે દિવસમાં તાપમાનમાં પણ ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.આજે (બીજી એપ્રિલ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર: રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. વડોદરા, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે.
ત્રીજી એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવ પંથકમાં વરસાદી માહોલ રહેશે.
અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે. પવનની ગતિમાં વધારો થવાની સાથે સાંજના સમયે છૂટાછવાયા ઝાપટાં પડવાની પણ સંભાવના નકારી શકાય તેમ નથી. નોંધનીય છે કે, કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમનો તૈયાર પાક સલામત સ્થળે ખસેડવા અને માર્કેટિંગ યાર્ડમાં રાખેલો માલ પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત કરવા અપીલ કરવામાં આવી છે.




