
રોકાણકારો ૧૬ લાખ કરોડ રૂપિયા કમાયા શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ અંતે ૨૯૪૬ પોઈન્ટના જંગી ઉછાળા સાથે ૭૭,૫૬૨ પર બંધ થયો હતો શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બુધવારનો દિવસ અત્યંત શાનદાર સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં તેજી જાેવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ અંતે ૨૯૪૬ પોઈન્ટના જંગી ઉછાળા સાથે ૭૭,૫૬૨ પર બંધ થયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ ૮૭૩ પોઈન્ટ ઉછળીને ૨૪,૦૦૦ની સપાટીની ખૂબ જ નજીક ૨૩,૯૯૭.૩૫ પર બંધ રહ્યો હતો. બજારમાં દિવસભર રહેલી આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં અંદાજે ૧૬ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
બજારમાં જાેવા મળેલી આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક કારણો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચાર આવતા જ માત્ર ભારતીય જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. યુદ્ધ શાંત થવાની આશાએ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ ઘટાડો થયો અને તે પ્રતિ બેરલ ૯૫ ડૉલરની આસપાસ આવી ગયું છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયાની મજબૂતીએ પણ શેરબજારને ટેકો આપ્યો હતો. આ તેજીના કારણે મ્જીઈનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ૪,૪૫,૫૭,૫૭૧.૪૫ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. બજારના હીરો સાબિત થયેલા શેરની વાત કરીએ તો, અદાણી ગ્રીન ૧૧% અને અશોક લેલેન્ડ ૧૨.૬૫%ના ઉછાળા સાથે મોખરે રહ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિગો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રિલાયન્સ અને બજાજ ફાઈનાન્સ જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં પણ જાેરદાર તેજી જાેવા મળી હતી. મારુતિ, એચડીએફસી બેન્ક અને અદાણી પોર્ટ્સ જેવા શેર પણ રોકેટની ગતિએ ભાગ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓમાં પણ ખરીદીનો માહોલ રહેતા રોકાણકારોએ ધૂમ કમાણી કરી હતી.




