
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
જીવ માત્ર માટે જળ મહત્વનું છે. જળ એટલે પાણી અને આ આપણી જરૂરિયાત છે. હાલમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે પાણીની જરૂર દરેક ને પડે અને એ જરૂરિયાતો પુરી કરવા હવે પાણી એક વેપારનો ભાગ બની ગયું છે.
આ જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને કેટલાક લેભાગુઓ હવે સફેદ પાણીના નામે કાળો કારોબાર કરી મબલખ રૂપિયા કમાઈ રહ્યા છે. આ પાણીનો વેપાર એટલે RO પ્લાન્ટ જેના બિઝનેસ માટે ઓછામાં ઓછી ૩૦૦x૫૦૦ સ્કેવર ફીટ જગ્યા જોઈએ. જેમાં RO મશીન, સ્ટોરેજ ટેન્ક અને ખાલી અને ભરેલા બોટલ તેમજ જગ રાખવાની જગ્યા. જ્યાં ૫૦૦ LPH (લીટર પર અવર્સ) ૧૦૦૦ LPH, ૨૦૦૦ LPH ની બોટલો ભરવાનું મશીન.ઉપરાંત FSSAI નું લાયસન્સ, ટ્રેડ લાયસન્સ તેમજ આરોગ્ય ને લગતા તમામ દસ્તાવેજો સક્ષમ અધિકારીને બતાવવા પડતાં હોય છે. આમ ઉપરના તમામ નીતિ નિયમોને આધિન RO પ્લાન્ટ નાંખીને કામ શરૂ કરી શકાતું હોય છે.
પરંતુ શહેરમાં હવે કેટલાક લેભાગુઓ ધ્વારા પ્રજાની ગરજનો લાભ લેવાના આશયથી માત્ર ને માત્ર ૧૦x૧૦ રૂમમાં બોરીંગનું પાણી અથવા SMC ના નળનું કનેક્શન લઈ એમાંથી રબરના લાંબા પાઈપથી પાણીના ૨૦ લીટરના બોટલો(જાર) ભરી ભરીને ટેમ્પોમાં રવાના કરીને કાળી કમાણી કરી રહ્યા છે. આ પાણીમાં ક્લોરીનની ટીકડીઓની સાથે સાથે GLYCOL નાંખી પાણી ઠંડુ કરવામાં આવે છે. જે પાણીના બોટલો પર કોઈ ISI પ્રમાણિતનો માર્કો હોતો નથી. જે પાણી પ્રજાના આરોગ્ય માટે ખતરનાક છે. એ પાણી આજે ઘરોમાં , કરિયાણાની દુકાનો, ડેરીઓ, હોટલો, રેસ્ટોરન્ટો, સ્કુલો, કોલેજો, ઓફિસો, ફેક્ટરીઓ, જીમ, હોસ્પિટલો, ફ્લેટસ અને હાઉસિંગ સોસાયટીઓમાં સપ્લાઈ થઈ રહ્યા છે.જે ૨૦ લીટર ના જાર (બોટલો) અને ૨૦ લીટરના જ ગમાં પાણીની ક્વોલિટી અને ટેસ્ટની કોઈ તપાસ કરાતી નથી કે મહિના-મહિના સુધી જાર (બોટલો) કે જગ ની સાફ-સફાઈ કરાતી નથી. જ્યાં પાણીના આવા વેપલા ચાલતા હોય છે એ મોટાભાગે સ્લમ વિસ્તારો અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ ચાલતા હોય છે. જ્યાં કોઈ ચેકિંગ નહીં
હોવાથી મન ફાવે એવી કંપનીઓના માર્કા મારી પાણી પ્રજાના પેટમાં પધરાવાય છે.
જે ૫૦૦ ML થી લઈને એક લીટર, બે લીટર અને પાંચ લીટરની બોટલોમાં મોટા ભાગે પેકિંગ કરી વેચવામાં આવતું હોય છે. આવા પાણીની ગુણવત્તાની કોઈ ગેરંટી હોતી નથી કારણ કે આરોગ્ય ખાતું હંમેશા “ભ્રષ્ટ ખાતું” જ રહેતું હોવાથી આવી કોઈ જ તપાસ કરવામાં આરોગ્ય ખાતાના અધિકારીઓ ને રસ હોતો જ નથી. એના કારણે સફેદ પાણીનો કાળો કારોબાર કરનારાઓ હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પોતાનો ઉલ્લુ સીધો કરી રહ્યા છે.
હવે વાત કરીએ ગરમીમાં વધુ ખવાતા આઈસ્ક્રીમની. આ આઈસક્રીમ માં પણ કસ્ટર પાવડર, દૂધ અને અલગ અલગ સ્વાદની ફ્લેવરો ઉમેરી જાણીતી કંપનીઓની અસલી બ્રાન્ડ જેવી જ આબેહૂબ એવી જ મળતી જુલતી ડિઝાઇન બનાવી ગ્રાહકોની આંખોમાં ધૂળ નાંખવા ખાસ પેકિંગ તૈયાર કરીને આઈસ્ક્રીમ બજારમાં વેચાઈ રહ્યા છે. પહેલી નજરે ગ્રાહક એમ જ સમજે કે આ જાણીતી બ્રાન્ડ નો આઈસ્ક્રીમ છે. પરંતુ ઉપરનું પેકિંગ ખોલ્યા પછી ગ્રાહકને ખબર પડે છે કે અસલીના સ્વાદની જગ્યાએ આ તો માલ, માટીને પૈસા કલદાર જેવો ઘાટ છે. આવા હલકી કક્ષાના આઈસ્ક્રીમો ને આકર્ષક પેકિંગમાં ઠંડા પીણા ની દુકાનો, પાન પાર્લર, બેકરીઓ વિગેરેમાં ખાસ સપ્લાય કરી ધૂમ વેચાણ કરાતું હોય છે. જેની કોઈ તપાસ કરાતી નહીં હોવાથી પ્રજા પણ હોંશે હોંશે એનો સ્વાદ લઈને આરોગ્યને નુકશાન પહોંચાડી રહી છે.
આજ રીતે પોટેશિયમ પરમેંગેનેટ (KMno 4 ) થી પકવેલી અને સાથે સાથે સડેલી કેરીઓના રસના ડબ્બા પણ આકર્ષક પેકિંગમાં જાણીતી કંપનીઓના નામે વેચાઈ રહ્યા છે. જેમાં મોટા ભાગે સેકરીનનો ઉપયોગ કરાતો હોય છે. જે રસ્તા ઉપર ઉભી રખાતી નાની,મોટી લારીઓ કેબીનો પર મેંગો જ્યુશ ના નામે લોકોના પેટમાં પધરાવવામાં આવે છે. એ સાથે તરબૂચ ના જ્યુશ માં પણ સેકરીન નો ઉપયોગ કરાય છે. હાલમાં પડતી આ ગરમીના કારણે જ્યુશ પીવાનું લોકો મોટા ભાગે પસંદ કરતા હોવાથી આવું વેચાણ ધૂમ મચાવી રહ્યું છે. જેની કોઈ તપાસ કરતું નથી કે કરાતી નથી. હવે વાત કરીએ ઠંડા ઠંડા બરફની, અહીં બરફ જે પાણીમાંથી બનાવવામાં આવે છે એ પાણી પણ શુધ્ધ હોતું નથી. અને એમાંથી બનતો બરફ પ્રજાના પેટમાં શેરડીના રસ દ્વારા,બરફ ના ગોળા ધ્વારા, જ્યુશ દ્વારા, લીંબુના શરબત દ્વારા કે સોડા કે ઠંડા પીણા દ્વારા પધરાવાઈ રહ્યો હોય અને પ્રજા હોંશે હોંશે “ગરમી મે ભી ઠંડી કા અહેસાસ” નો અનેરો લાભ લઇ રહી હોય ત્યારે સરકારનું જવાબદાર તંત્ર પણ મારે શું ની નીતિ અપનાવે એમાં નવાઈ શું હોય?



