
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
રાજયમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની નગર પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભર ગરમીમાં પણ જ્યારે મતદારો એ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી છે ત્યારે જે પ્રમાણે ચોક્કસ સમાજના વિસ્તારોમાં થયેલા ઊંચા મતદાનથી કોને ફાયદો થશે? અને કોને નુકશાન થશે? એની ગણતરી સત્તાધારી પક્ષથી લઈને આમ આદમી અને કોંગ્રેસ પાર્ટીમાં પણ શરૂ થઈ ગઈ છે. આમ જોવા જઈએતો સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીઓ મૂળતો પાયાની જરૂરિયાતો ઉપર નિર્ભર છે.
જેમકે ડ્રેનેજ(ગટર), પીવાનું પાણી, રોડ, રસ્તા, લાઇટ, શૌચાલય,ગેરકાયદે બાંધકામો વિગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને લડાવી જોઈએ. પરંતુ મૂળ મુદ્દાનું તો જાણે શાસક પક્ષે કાસળ કાઢયુ હોય એમ એની તો કોઈ વાત જ નહીં, મોંઘવારીની કોઈ વાત નહીં,બેકારીની કોઈ વાત નહીં, ગુન્હાખોરી કેમ વધે છે? એની કોઈ વાત છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી સુરત મ.ન.પા માં બેસતા શાસકો એ ક્યારેય કરી જ નથી કે કોઈ સભાઓમાં ક્યારેય કરતાં જ નથી હોતા. એતો ઠીક પરંતુ ચૂંટણી લડનારા ઉમેદવારને ચૂંટણી પહેલા ક્યારેય કે ચૂંટણી જીત્યા પછી પણ શહેરના કેટલાક મતદારોએ તો પાંચ વર્ષ સુધી ક્યારેય જોયો પણ હોતો નથી છતાં ચૂંટણી જીતનારાને પ્રજાની સમસ્યાઓને બદલે જાણે કે પાંચ વર્ષમાં પોતાની જ સમસ્યા (આર્થિક) દૂર કરવામાં જ રસ હોય એમ કાલ કોણે દીઠી રે કાલ કોણે દીઠી? એ નાતે બીજી ટર્મમાં ટિકીટ મળે કે ના મળે પણ વર મરો કન્યા મરો ગોરનું તરભાણું ભરો એવી શાસકોની નીતિને કારણે
પણ પ્રજામાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે એ જોતા શાસક પક્ષ માટે ચિંતાનો વિષય છે. તો આમ આદમીને પોતાની સીટો બચાવવાની ચિંતા છે અને કોંગ્રેસને ખાતું ખોલી પહેલ કરવાની ચિંતા છે.
આમ અનિશ્ચિતતાના વાદળો વચ્ચે થયેલી આ ચૂંટણીના પરિણામો જ્યારે કાલે આવશે ત્યારે જ ખબર પડશે કે પ્રજાનો આક્રોશ જે પ્રમાણે દેખાતો હતો એ પ્રમાણે મતપેટીઓમા દેખાયો છે કે પછી એ જ જૂની કેસેટ હિન્દુ ખતરામાં છે માટે દે ઠોક, દે ઠોક કરીને ફરી પાછા આજ શાસકોની પાર્ટીને સત્તા સ્થાને ઠોકી બેસાડી પ્રજા પોતાના જ પગ ઉપર કુહાડો મારે છે? એ સમય જ કહેશે. થોભો અને રાહ જુઓ.



