
અમદાવાદમાં ફૂડ સેફ્ટીના ધજાગરા અમદાવાદ રાણીપમાં યુવતીની પાણીપુરીમાંથી નીકળ્યું હાડકુ હાડકા અંગે સ્ટોલ સંચાલકને પૂછ્યું, ત્યારે તેણે પહેલા એવું બહાનું બનાવ્યું કે આ હાડકું નથી પણ લાકડું છે
અમદાવાદમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ અને અખાદ્ય પદાર્થો નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક પાણીપુરીના સ્ટોલ પર પાણીપુરી ખાવા ગયેલી યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં યુવતીએ પોતાની આપવીતી જણાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. વાઇરલ વીડિયોમાં યુવતી જણાવે છે કે, ‘હું મારી માતા સાથે રાણીપ વિસ્તારમાં આવેલા એક ફૂડ સ્ટોલ પર પાણીપુરી ખાવા માટે ગઈ હતી. શરૂઆતમાં જ્યારે મારી માતાએ પાણીપુરી ખાધી ત્યારે એક પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો. જાેકે, તેને સામાન્ય ગણીને નજરઅંદાજ કર્યો હતો. જ્યારે છેલ્લી પાણીપુરી ખાવામાં આવી, ત્યારે તેમાંથી હાડકાનો એક ટુકડો નીકળ્યો હતો. આ જાેઈને અમેસ્તબ્ધ થઈ ગયા હતા.
યુવતીએ વીડિયોમાં દાવો કર્યો છે કે, ‘જ્યારે મે હાડકા અંગે સ્ટોલ સંચાલકને પૂછ્યું, ત્યારે તેણે પહેલા એવું બહાનું બનાવ્યું કે આ હાડકું નથી પણ લાકડું છે. જાેકે, ત્યાં હાજર અન્ય લોકોને આ વસ્તુ બતાવવામાં આવતા તેણે પણ હાડકું હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ, સત્ય છુપાવવા માટે સંચાલકે તેને કાપીને બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વસ્તુ કપાઈ નહોતી. આખરે પોતાની પોલ ખુલી જતાં સ્ટોલ સંચાલકે સ્વીકાર્યું હતું કે તે હાડકું જ છે અને ક્યાંકથી ઉડીને આવી ગયું હશે, તેમ કહીને હાથ જાેડી માફી માંગી લીધી હતી.‘આ વીડિયો વાઈરલ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું છે. AMC ના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ વાઈરલ વીડિયોની સત્યતા અને ખરાઈ કરવા માટે ફૂડ વિભાગની એક સ્પેશિયલ ટીમને સંબંધિત ફૂડ સ્ટોલ પર તપાસ માટે મોકલવામાં આવી છે. આ સ્ટોલ પર ખોરાક બનાવવાની પદ્ધતિ, વપરાતા મસાલા અને સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવશે. જાેકે, આ મામલે હજુ સીધી કોઈ સત્તાવાર લેખિત ફરિયાદ કે લેબોરેટરી પુષ્ટિ મળી નથી. પરંતુ ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, ‘તપાસના અંતે જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.‘



