
રેપો રેટ વધે તેવા સંકેત રૂપિયાને મજબૂત કરવા આરબીઆઈ મોંઘવારીના ઝેરનો ઘૂંટડો પ્રજાને પીવડાવશે આ સપ્તાહે રૂપિયો ડોલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડોલર આશરે ૯૭ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે
ડોલર સામે રૂપિયામાં આવી રહેલા રેકોર્ડબ્રેક ઘટાડાએ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની ચિંતાઓ વધારી દીધી છે. રૂપિયાના આ ઘટાડાને રોકવા અને દેશની અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા માટે RBI હવે કેટલાક કડક પગલાં ઉઠાવી શકે છે, જેમાં વ્યાજદરોમાં વધારો કરવો પણ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, RBI ગવર્નર સંજય મલ્હોત્રા સહિતના ટોચના અધિકારીઓએ હાલના દિવસોમાં આ મામલે મહત્ત્વની બેઠકો કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકોમાં રૂપિયાની સ્થિતિ સંભાળવા માટે વ્યાજદરો વધારવાથી લઈને વિદેશી રોકાણકારો પાસેથી ડોલર એકઠા કરવા જેવા તમામ કડક વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.
આ સપ્તાહે રૂપિયો ડોલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડોલર આશરે ૯૭ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની આ નબળાઈને રોકવા માટે રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે અને RBI આ બાબત પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહી છે. આમ તો RBI ની આગામી એમપીસી (MPC) બેઠક ૫ જૂનથી શરૂ થવાની છે, પરંતુ કટોકટીની ગંભીરતાને જાેતા રિઝર્વ બેન્ક નક્કી કરેલા કાર્યક્રમ પહેલા પણ ઇમરજન્સી મીટિંગ બોલાવીને રેટ્સમાં ફેરફાર કરી શકે છે. આ પહેલા પણ મે ૨૦૨૨માં RBI નક્કી કરેલા શિડ્યુલથી અલગ જઈને અચાનક વ્યાજદરો વધારી ચૂકી છે.
જાે RBI દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવશે, તો દેશની બેન્કોને કેન્દ્રીય બેન્ક પાસેથી મોંઘા દરે ધિરાણ મળશે. પરિણામે, કોમર્શિયલ બેન્કો પણ સામાન્ય જનતા માટે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરો વધારી દેશે. બેન્કોે દ્વારા વ્યાજદર વધારવાના કારણે સામાન્ય માણસ પર માસિક EMI નો બોજ સીધો વધી જશે, જેનાથી લોન લેવી વધુ મોંઘી બનશે.
રૂપિયાના મૂલ્યમાં અપેક્ષા કરતાં ખૂબ જ ઝડપી ઘટાડો થઈ રહ્યો છે. જાે કે, આપણા દેશની આર્થિક સ્થિતિ અને બેન્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે મજબૂત અને સ્થિર છે, છતાં વૈશ્વિક દબાણના કારણે આ મજબૂતી એક્સચેન્જ રેટમાં દેખાઈ રહી નથી. આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે RBI વર્ષ ૨૦૧૩ના ટેપર ટેન્ટ્રમ સંકટ સમયના ફોર્મ્યુલાને ફરીથી અપનાવવા પર ગંભીર વિચારણા કરી રહી છે. તે સમયે પણ રૂપિયાના ગગડતા મૂલ્યને બચાવવા માટે, વિદેશી ચલણનો પ્રવાહ વધારવાના આશયથી સ્થાનિક બેન્કો દ્વારા વિશેષ નોન રેસિડેન્શિયલ ઈન્ડીયન (NRI) ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી.
રૂપિયાની સ્થિતિ સુધારવા માટે દેશના વિદેશી મુદ્રા ભંડારને વધારવો ખૂબ જ મહત્ત્વનો છે અને તેના માટે RBI આ વખતે મોટા પાયે ફંડ એકત્રિત કરવાની પ્લાનિંગ કરી રહી છે. RBI નો અંદાજ છે કે NRI૧૧ માટે વિશેષ ડિપોઝિટ સ્કીમ લાવીને આ વખતે આશરે ૫૦ અબજ ડોલર સુધીનું ફંડ મેળવી શકાય છે, જ્યારે ૨૦૧૩ના સંકટ દરમિયાન આ જ સ્કીમ દ્વારા ૩૦ અબજ ડોલર એકઠા કરવામાં આવ્યા હતા.
બજારમાં ડોલરની અછતને દૂર કરવા માટે આરબીઆઈ અન્ય દેશોની કેન્દ્રીય બેન્કો સાથે વધારાના કરન્સી સ્વાપ એગ્રીમેન્ટ (ચલણની અદલાબદલીના કરાર) કરી શકે છે. આ સિવાય, વિદેશોમાંથી સીધા ડોલર મેળવવા માટે સરકારની મદદથી સોવરિન ડોલર બોન્ડ જાહેર કરવા પર પણ ગંભીર વિચારણા ચાલી રહી છે, જાે કે આ બોન્ડ જાહેર કરવા અંગેનો અંતિમ ર્નિણય સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા જ લેવામાં આવશે.



