
નિમ્ન-મધ્યમ વર્ગ મોંઘવારીમાં પીસાયો રોજિંદી ચીજવસ્તુઓના ભાવ એક મહિનામાં ૨થી ૧૦% સુધી વધ્યા સરકાર-તંત્ર સમયસર નક્કર પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં કપરી પરિસ્થિતિ સર્જાવાની દહેશત અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અત્યારે તો ‘સ્ટેટસ ક્વો’ની સ્થિતિ પ્રવર્તી રહી છે, પરંતુ યુદ્ધને કારણે દેશ-દુનિયાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. ક્રૂડ તેલના ભાવ ૧૦૦ ડોલરને પાર કરી જતા ટ્રાન્સપોર્ટેશન , પેકેજિંગ મોંઘુ થયું છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ જતા જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ-દૂધ, શાકભાજી, અનાજ-કરિયાણું, રાંધણ ગેસમાં PNG-LPG, ઓટો-ઔદ્યોગિક વપરાશ માટેનો CNG, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો કારમી મોંઘવારીમાં સપડાઈ ગયા છે. છેલ્લા એક જ મહિનામાં સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, કરિયાણું, ફ્રૂટ, શાકભાજી વગેરે જેવી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં બેથી દસ ટકા સુધીનો વધારો થયો છે. નોકરિયાત, મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગની આવકમાં વધારો થયો નથી, તેની સામે દિનપ્રતિદિન ખર્ચમાં વધારો થતાં બે છેડા ભેગા કરવા કપરું બની ગયું છે. અમેરિકા-ઈરાનના યુદ્ધને ૯૦ દિવસ થવા આવ્યા છે અને આ યુદ્ધ ક્યારે સમેટાશે તે અંગે આગાહી થઈ શકે તેમ નથી ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ કપરી બને તેવી દહેશત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં દૂધમાં બે રૂપિયા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર દિવસમાં બે વાર અને CNG ભાવ વધારાથી તમામ ક્ષેત્રો પર તેની વિપરીત અસર થઈ છે. સરકારી આંકડાઓ જાેઈએ તો દેશમાં મોંઘવારી ૪૨ મહિનાની ટોચે પહોંચી ગઈ છે. એપ્રિલ-૨૦૨૬માં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ(WPI)નો દર ૮.૩ ટકા જ્યારે સપ્ટે-૨૦૨૪ પછી કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ(CPI) ૩.૪૮ ટકાની સપાટીએ પહોંચી ગયો છે. એટલે કે, મોંઘવારી છેલ્લા ૨૨ મહિનાની ટોચે પહોંચી છે. હજુ પણ વૈશ્વિક કટોકટી-યુદ્ધની સ્થિતિ યથાવત રહી તો મોંઘવારીનો દર ૪.૪ ટકાને આંબી જવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. યુદ્ધની યુદ્ધ લંબાશે તેવા ભયથી ગ્રાહકો સાવચેતી દાખવી કરકસરના ભાગ રૂપે ખરીદીથી દૂર રહેવા લાગ્યા છે. સામાન્ય રીતે માગ અને પુરવઠાને આધારે મોંઘવારીમા વધ-ઘટ થતી હોય છે, પરંતુ આજના વૈશ્વિકરણના યુગમાં દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ એક બીજા પર આધારિત હોવાથી માત્ર રોજિંદી વપરાશની જ ચીજાે નહીં, કાચા માલ, ટ્રાન્સપોર્ટેશન વગેરેમાં ભાવ વધારો થતા સરવાળે સામાન્ય વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. અલબત્ત, અમદાવાદના બજારોમાંથી મિશ્ર અહેવાલો સાંપડી રહ્યા છે. અનાજ-કઠોળના વેપારી કમલેશ પટેલ કહે છે કે, બજારમાં પુરતો માલ છે, પરંતુ ઘરાકી નથી. અનાજ ભરવાની સિઝન હોવા છતાં માલ પડી રહ્યો છે. કારણ કે, નવી પેઢીમાં આખા વર્ષનું અનાજ-કઠોળ ભરવાનું ચલણ જ નથી. જરૂરિયાત મુજબની ખરીદીની માનસિકતાને કારણે રિટેઈલ માર્કેટમાં એક કિલોનો ભાવ વધારો તેમને નડતો નથી. ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે, પરંતુ ખેડૂતો પાસે ૪૦ ટકા જથ્થો પડી રહ્યો છે! બીજીતરફ અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી અને તઝાકિસ્તાન જેવા દેશોમાંથી આવતી હિંગ સહિતના મરી, લવિંગ સહિતના તેજાના અને સૂકા મેવાના ભાવમાં ફેબ્રુઆરી પછી ૩૦થી ૩૫ ટકાનો ભાવ વધારો થયો હોવાનું જણાવતા વેપારી હિરેન ગાંધી ભાવમાં હજુ ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરતા કહે છે કે, જન્માષ્ટમી અને રક્ષાબંધન સહિતના આગામી તહેવારોના ઓર્ડર અત્યારથી જ બુક કરાવવા પડે, પરંતુ બેન્કિંગ સેવા ખોરવાઈ ગઈ હોવાથી પેમેન્ટ થઈ શકશે નહીં અને માલ આવશે નહીં.



