
TDPની ઐતિહાસિક જાહેરાત.૨૦૨૯ની ચૂંટણીમાં મહિલાઓને મળશે ૩૩% બેઠકો પર અનામત.કેન્દ્ર સરકારનું મહિલા અનામત બિલ દેશભરમાં લાગુ થાય કે ન થાય, પણ પાર્ટી આ વચન ચોક્કસપણે પૂરું કરશે.તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નારા લોકેશે એક મોટો રાજકીય દાવ ખેલતા જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓમાં વિધાનસભા અને લોકસભાની ૩૩% બેઠકો મહિલા ઉમેદવારો માટે ફાળવશે. ટીડીપીના મહાનાડુ સંમેલનમાં એક ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કરતાં લોકેશે સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારનું મહિલા અનામત બિલ દેશભરમાં લાગુ થાય કે ન થાય, પણ તેમની પાર્ટી આ વચન ચોક્કસપણે પૂરું કરશે.
નારા લોકેશે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં જણાવ્યું હતું કે, આ પ્રતિબદ્ધતા માત્ર એક ચૂંટણી નારો નથી પરંતુ ભારત અને પક્ષના ભવિષ્ય પ્રત્યેની એક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે, દેશને વધુ મહિલા ધારાસભ્યો, નેતાઓ અને નીતિ નિર્માતાઓની જરૂર છે અને ટૂંક સમયમાં જ ભારતીય રાજકારણમાં મહિલા નેતૃત્વનો નવો યુગ શરૂ થશે.
નારા લોકેશે વિરોધ પક્ષો પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે, અન્ય પક્ષો માત્ર ચૂંટણી વખતે જ મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને સત્તામાં આવ્યા પછી ભૂલી જાય છે.
કેટલાક પક્ષોએ સંસદમાં મહિલા અનામત બિલને રોકવાના પ્રયાસો પણ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મહિલાઓ માત્ર સરકારી કલ્યાણ યોજનાઓની લાભાર્થી બનીને ન રહેવી જાેઈએ, પરંતુ તેઓ શાસન અને રાજકારણમાં સક્રિય નિર્ણાયક તરીકે ઉભરી આવે તે જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે એનડીએ (NDA) સરકાર દ્વારા લાવવામાં આવેલા મહિલા અનામત બિલને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું.
પોતાના સંબોધનમાં લોકેશે ટીડીપીના સ્થાપક એન.ટી. રામારાવ (NTR) અને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુને મહિલા સશક્તિકરણના અગ્રદૂત ગણાવ્યા હતા. એનટીઆરના શાસનકાળમાં જ મહિલાઓને સમાન મિલકત અધિકાર, સ્થાનિક સંસ્થાઓમાં અનામત અને મહિલાઓ માટે વિશેષ પદ્માવતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ચંદ્રબાબુ નાયડુના કાર્યકાળમાં ત્યારબાદ નાયડુએ શિક્ષણ અને રોજગારમાં મહિલાઓ માટે ૩૩% અનામત, ડ્વાકરા (DWCRA) જૂથો અને દીપમ જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા આ મિશનને આગળ ધપાવ્યું હતું.
નારા લોકેશે વિપક્ષી પક્ષ વાયએસઆરસીપી(YSRCP) અને તેના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષના જૂના નારા વ્હાય નોટ ૧૭૫ ની મજાક ઉડાવતા હવે તેને ટીમ-૧૧ તરીકે સંબોધિત કરી હતી. આ સાથે જ તેમણે વાયએસઆરસીપીના પ્રમુખ વાય. એસ. જગન મોહન રેડ્ડીને વિકાસ અને કલ્યાણના મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો.



