
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતના બજારોમાં મોટાભાગે શોપિંગ કરતી મહિલાઓ જ તમને નજર પડશે. કારણ કે મહિલાઓને શોપિંગ બહુ ગમતું હોય છે અને એતો જગજાહેર વાત છે. અને મહિલાઓ ખાસ કરીને હંમેશા પતિને સામાન ઊંચકવા માટે જ સાથે રાખતી હોય છે. જોકે યુવાનોનું એક સ્ટાર્ટઅપ આ જરૂરિયાત પણ મિટાવી દે એવું લાગે છે. દિલ્હીની લાજપત માર્કેટમાં એક અનયુઝઅલ સર્વિસ શરૂ થઈ છે જે યુવાનો પ્રોવાઇડ કરે છે. આ યુવાનો મહિલા જ્યાં જાય ત્યાં તેનો સામાન સાથે લઈને ફરે છે. તેમના ટી-શર્ટ પર “કેરીમેન” લખેલું હોય છે. તેઓ આ માર્કેટના ભોમિયા પણ છે એટલે મહિલાને જરૂરી શોપિંગ માટે ગાઈડ પણ કરે છે. આ માટે તેઓ એક કલાકના ૧૪૯ રૂપિયા ચાર્જ કરે છે. આ માણસ તમારા વતી સામાન ઉપાડશે, ફૂડ- કોર્ટની લાઈનમાં ઊભા રહીને નંબર લગાવશે, માર્કેટમાંથી સામાન ઉપાડીને તમારી સાથે મેટ્રો સ્ટેશનમાં પણ આવશે, તમને બેસવા માટેની સીટ શોધી આપશે અને જો સીટ નહીં મળે તો ફોલ્ડિંગ ચેરની વ્યવસ્થા પણ કરી આપશે.
સોશયલ મીડિયા પર આ સ્ટાર્ટઅપ વિશેની વિગતો વાઈરલ થઈ છે. એમાં સ્કીમ પણ છે. જે લોકો લાંબા કલાકો શોપિંગના શોખીન હોય તેમના માટે બે કલાક, ત્રણ કલાક અને ચાર કલાકની ડિસ્કાઉન્ટ સ્કીમ પણ છે. આ પ્રયોગ દિલ્હીની લાજપત માર્કેટમાં જ અત્યારે ઉપલબ્ધ છે. કેટલાક લોકોને નવાઈ લાગે છે કે એકદમ નવતર લાગતો આ પ્રયોગ ખરેખર સ્ટાર્ટઅપ તરીકે ક્વોલિફાય થશે કે મિલિયન ડોલર આઈડિયા સાબિત થઈ શકે એવો છે કે નહીં? દેશના બેકાર યુવાનોએ હવે લાજ શરમ છોડીને કંઈક કામની શરૂઆત તો કરવી જ જોઈએ એ જ સમયની માંગ છે.



