
સોનિયા ગાંધીની મમતા બેનર્જીને ઓફર ટીએમસીને કોંગ્રેસમાં ભેળવી દો, કોંગ્રેસના એક ફોનથી ખળભળાટ સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને બદલામાં કોંગ્રેસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવાની વાત કહેવામાં આવી પશ્ચિમ બંગાળના રાજકારણમાં હાલ એક મોટો વળાંક આવતો જાેવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં મોટા પાયે ભંગાણ સર્જાયું છે અને પાર્ટી પતનની અણી પર છે. આ કટોકટીના સમયમાં સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને એક મોટી ઓફર આપી છે. સોનિયા ગાંધીએ મમતાને પોતાની પાર્ટી ટીએમસીને કોંગ્રેસમાં વિલય કરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના બદલામાં તેમને કોંગ્રેસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવાની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં, તેમના ભત્રીજા અભિષેક બેનર્જી માટે પણ પાર્ટીમાં મોટા પદની ઓફર કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ જાતે મમતા બેનર્જીને ફોન કરીને આ ઓફર આપી છે. તેમણે સલાહ આપી છે કે ભાજપના સતત થઈ રહેલા રાજકીય હુમલાઓથી બચવા માટે ટીએમસીનું કોંગ્રેસમાં જાેડાણ કરવું એ જ શ્રેષ્ઠ રસ્તો છે. જાે આમ નહીં થાય તો ભાજપ તેમને આમ આદમી પાર્ટી (આપ) ની જેમ જ હેરાન કરશે. આ ડીલ મુજબ મમતાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ અપાશે, જ્યારે તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને કોંગ્રેસમાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવશે. એવી પણ માહિતી મળી છે કે મમતા બેનર્જીએ આ પ્રસ્તાવ પર વિચાર કરવા અને અંતિમ ર્નિણય લેવા માટે થોડા દિવસોનો સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં પાર્ટીની અંદર આંતરિક ખેંચતાણ ચરમસીમાએ છે. પાર્ટીના ઘણા નેતાઓ હવે ખુલ્લેઆમ અભિષેક બેનર્જીની વિરુદ્ધ થઈ ગયા છે, જેનાથી મમતા બેનર્જી માટે સ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે. મમતા બેનર્જીના ૮૦ ધારાસભ્યોમાંથી ૫૮ ધારાસભ્યોએ બળવો કરીને પોતાનું અલગ જૂથ બનાવી લીધું છે. આટલું જ નહીં, દિલ્હીમાં પણ પાર્ટીના લગભગ ૨૦ જેટલા સાંસદો ટીએમસીથી અલગ થઈ ગયા છે.
આ તમામ રાજકીય ઘટનાક્રમ વચ્ચે આજે દિલ્હીમાં ૧૦ જનપથ ખાતે રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે એક મહત્વની મુલાકાત પણ યોજાઈ હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી. સૂત્રોના મતે, આ બેઠક ઘણી ફળદાયી રહી હતી અને તેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ બંગાળની તાજેતરની ચૂંટણીઓ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
સોનિયા ગાંધીની આ ડીલ અને દિલ્હીમાં ચાલી રહેલી રાજકીય હિલચાલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પણ એક મોટી બેઠક બોલાવી છે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે જાહેરાત કરી છે કે ૧૧ જૂને ઇન્દિરા ભવન ખાતે એઆઈસીસી (AICC) ના મહાસચિવો, પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોની એક અગત્યની બેઠક યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કરશે.



