
શ્રીસંતના નિવેદનથી મચ્યો હોબાળો ટીમને ગંભીરની નહીં, પરંતુ ધોની જેવા મેન્ટોર્સની જરૂર છે શ્રીસંતે કહ્યું કે ખેલાડીઓને એવી વ્યક્તિની જરૂર હોય છે જેની તેઓ ઈજ્જત કરે, નહીં કે એવા માણસની જે પીઠ પાછળ વાતો કરે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંત એકવાર ફરી પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. આ વખતે તેમણે ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. શ્રીસંતનું માનવું છે કે ભારતીય ટીમને હાલમાં ગૌતમ ગંભીરની નહીં, પરંતુ એમએસ ધોની જેવા મેન્ટોર્સની જરૂર છે. તેમના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગૌતમ ગંભીર જુલાઈ ૨૦૨૪ માં ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા હતા. તેમણે રાહુલ દ્રવિડની જગ્યાએ આ જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળમાં ભારતે ઘણીICC ટૂર્નામેન્ટ જીતી છે, પરંતુ ઘરેલું મેદાન પર કેટલીક સિરીઝમાં ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી.
એક ઇન્ટરવ્યુમાં શ્રીસંતે કહ્યું કે ખેલાડીઓને એવી વ્યક્તિની જરૂર હોય છે જેની તેઓ ઈજ્જત કરે, નહીં કે એવા માણસની જે પીઠ પાછળ વાતો કરે અથવા ટીવી પર પોતાને ચમકાવવાનો પ્રયત્ન કરે. ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમ ઘરેલું મેદાન પર ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સામે કેમ સંઘર્ષ કરી રહી છે, ત્યારે તેમણે સવાલ પૂરો થાય તે પહેલાં જ પૂછ્યું, “કોચ કોણ હતો?”
પસંદગી (સિલેક્શન) અને ટીમ મેનેજમેન્ટ સાથે જાેડાયેલા મુદ્દાઓ પર પણ તેમણે ગંભીરને જવાબદાર ઠેરવ્યા. ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા શ્રીસંતે કહ્યું, કોચને બદલો, ટીમ ઈન્ડિયાને કોચની નહીં, મેન્ટોરની જરૂર છે. તેમણે આગળ ઉમેર્યું, લોકો ગમે તે કહે, પરંતુ ધોનીની માનસિકતા અને તેમણે પોતાના ખેલાડીઓમાં જે ભરોસો જગાડ્યો હતો, તે જ ટીમની સફળતાની અસલી ચાવી હતી.
કોચની ભૂમિકા પર પોતાનો અભિપ્રાય આપતા શ્રીસંતે ખેલાડીઓના યોગદાનને સૌથી મહત્વનું ગણાવ્યું હતું. તેમણે કહ્યું, ખેલાડીઓ વર્લ્ડ કપ જીતે છે, કોચ નહીં. ખેલાડીઓ મેદાન પર પરસેવો પાડે છે, તેથી ક્રેડિટ તેમને જ મળવી જાેઈએ. આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, જાે સંજુએ પરફોર્મ ન કર્યું હોત, જાે સૂર્યકુમાર યાદવે સારી કેપ્ટનશીપ ન કરી હોત, અથવા જાે બોલિંગમાં ફેરફાર યોગ્ય સમયે ન કરવામાં આવ્યા હોત, તો શું આપણે જીતી શક્યા હોત? શું કોચ મેદાન પર ર્નિણયો લઈ રહ્યો હતો?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જુલાઈ ૨૦૨૪ માં ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના બે વર્ષના કાર્યકાળમાં ભારતીય ટીમે કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. ગંભીરની દેખરેખ હેઠળ ભારતે ૨૦૨૫ ની ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. આ પછી ટીમે એશિયા કપનો ખિતાબ પણ જીત્યો હતો. વળી, ૨૦૨૬ ની શરૂઆતમાં ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપ જીતવામાં પણ સફળ રહી હતી.
ICC ટૂર્નામેન્ટોમાં શાનદાર સફળતા છતાં કેટલીક ઘરેલું સિરીઝ ભારતીય ટીમ માટે નિરાશાજનક રહી હતી. ગંભીરના કાર્યકાળમાં ભારતને પોતાના ઘરમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ હારનો સામનો કરવો પડ્યો હતો. આ જ પરિણામોને આધાર બનાવીને શ્રીસંતે ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા છે અને ભારતીય ટીમ સાથે એમએસ ધોનીને મેન્ટોરની ભૂમિકામાં જાેડવાની વકીલાત કરી છે.



