
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બની ટોક ઓફ ધ ટાઉન બનેલા સુરતના નાસિર નગર ડિમોલિશન મામલામાં સત્તાધારીઓએ મનમાની કરી ગરીબોને ઘરથી બેઘર કરતા હવે હાઇકોર્ટે આકરું વલણ અપનાવતા SMC સહિત પોલીસ ખાતામાં ખડભડાટ મચી જવા પામ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે વેધક સવાલ કરતાં જણાવ્યું કે ડિમોલિશન અંગે સુરત પોલીસ કમિશનરે ફરિયાદ કેમ ન લીધી? આ ગંભીર બાબત માટે રાજ્ય સરકાર પણ જવાબદાર બને છે. સાથે ટોરેન્ટ પાવર અને DCP નકુમ પણ એટલા જ જવાબદાર છે.
નાસિનગર ડિમોલિશન મામલે 26 અરજદારો ધ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય,SMC, સુરત પોલીસ કમિશનર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ,પોલીસ અને SMC ના કર્મચારીઓ તેમજ ટોરન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત હાઇકોર્ટે કહ્યું કે જો SOG ના ડીસીપી (રાજદીપસિંહ નકુમ) ત્યાં ગેરકાનૂની રીતે હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. કારણ કે આ ડિમોલિશન કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસિર નગરમાં SMC દ્વારા ૧૫૦ થી વધુ મકાનો 30 મેના રોજ તોડી પાડવામાં આવ્યા હતા.
હાઇકોર્ટે પૂછ્યું હતું કે, આ ડિમોલિશન SMC દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો? અરજદારો વતી જવાબ અપાયો હતો કે, ડિમોલિશન સમયે ઘટના સ્થળે SMCના અધિકારીઓ અને 20 થી 25 પોલીસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ હાજર હતા. વધુમાં કોર્ટે કહ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલિશન SMC એ કર્યું કે બીજા કોઈ વ્યક્તિએ? જો SOG ના DCP કાયદેસર હાજર હતા તો તેમણે કોર્ટમાં હાજર રહેવાની જરૂર નથી. સાથે ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી તેઓ નાસિર નગરના વીજ કનેક્શન કાપેલા? આમ સંવેદશીલ બનેલા આ મુદ્દા અંગે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમની પાસે પાવર છે. ઓથોરિટી પાસેથી કોર્ટને ચોક્કસ જવાબ જોઈએ. ૨૯ જૂનના સોમવારના રોજ સવારે સૌથી પહેલા આ અરજી ઉપર સુનાવણી યોજાશે. જેમાં ટોરેન્ટ પાવર ના વકીલ પણ ઉપસ્થિત રહેશે. આમ આખરે ગરીબોની વાત કોર્ટે સાંભળી ખરી.



