
પરિવારે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી કસાબને ફાંસી સુધી પહોંચાડનારા વકીલ ઉજ્જવલ નિકમ કેતન અગ્રવાલનો કેસ લડશે ફડણવીસે કેતન અગ્રવાલના પરિવાર સાથે મુલાકાત કરી વિશ્વાસ અપાવ્યો કે દોષિતોને કડક સજા કરવામાં આવશે
લોનાવલામાં મંગેતર અને તેના કથિત પ્રેમીના હાથે થયેલી કેતન અગ્રવાલની સનસનીખેજ હત્યાના મામલામાં હવે રાજકીય અને કાનૂની સ્તર પર મોટો વળાંક આવ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કેતન અગ્રવાલના પરિવાર સાથે મુલાકાત કરી વિશ્વાસ અપાવ્યો કે આ જઘન્ય હત્યાકાંડના દોષિતોને કાયદા અંતર્ગત સૌથી કડક સજા અપાવવામાં આવશે.
મુખ્યમંત્રી સાથે મુલાકાત દરમ્યાન કેતનના પિતા વિશાલ અગ્રવાલે પોતાના દીકરા માટે ન્યાયની માગ કરતા આ કેસમાં દેશના ચર્ચિત સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર નિયુક્ત કરવાની માગ કરી છે. મુખ્યમંત્રી ફડણવીસે પરિવારની આ માગનો સ્વીકાર કરી લીધી છે.
મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા જણાવ્યું કે પુણેમાં થયેલી આ મુલાકાત દરમ્યાન કેતનના પિતાએ આખા મામલાની નિષ્પક્ષ અને ઝડપી સુનાવણીની માગ કરી છે. ફડણવીસે પરિવારને ભરોસો અપાવ્યો છે કે સરકાર આ હત્યાકાંડને ગંભીરતાથી જાેઈ રહી છે અને દોષિતોને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે.
આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા અને ઉજ્જવલ નિકમને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર નિયુક્ત કરવાની તેમની માગને મુખ્યમંત્રીએ તરત માની લીધી અને કાનૂન અને ન્યાય વિભાગના સચિવને આ અંગે નિર્દેશ આપી દીધા છે. સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમે પણ આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર તરીકે કામ કરવા માટે પોતાની સહમતિ આપી દીધી છે.
આ કેસમાં સિનિયર એડવોકેટ ઉજ્જવલ નિકમની એન્ટ્રીને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. નિકમ દેશના સૌથી ચર્ચિત ક્રિમિનલ કેસોની વકીલાત કરી ચૂક્યા છે અને ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલા જેવા હાઈ પ્રોફાઈલ કેસમાં પોતાની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. મુંબઈ હુમલામાં ધરપકડ એકમાત્ર આતંકીને ફાંસીની સજા અપાવવામાં ઉજ્જવલ નિકમનો મહત્ત્વનો રોલ હતો. આવા સમયે તેમની નિયુક્તિથી કેતન અગ્રવાલ હત્યાકાંડની કાનૂની લડાઈ વધારે મજબૂત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



