
આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસ તેજ ગુવાહાટીમાં ૫૫ કરોડથી વધુના સોનાની દાણચોરી ઝડપાઈ મ્યાનમાર તેમજ ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરો સુધી ફેલાયેલા હોય શકે છે આસામના ગુવાહાટી શહેરમાં પોલીસે સોનાની દાણચોરી સામે મોટી સફળતા મેળવી છે. ગુવાહાટી સિટી પોલીસે ખરઘુલી વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને અંદાજે ૩૭ કિલોગ્રામના ૨૪ કેરેટ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત રૂપિયા ૫૫ કરોડથી વધુ હોવાનું પ્રાથમિક અંદાજ છે. આ સાથે લગભગ ૧૩ ગ્રામ જેટલા ચાંદીના નોડ્યુલ્સ અને ફ્લેક્સ પણ મળી આવ્યા છે.
ગુવાહાટીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) શંભવી મિશ્રાએ જણાવ્યું કે આસામ પોલીસના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સોના જપ્તીની કાર્યવાહી હોઈ શકે છે. પોલીસે આ કેસમાં ૩૨ વર્ષીય અક્ષય બન્સોડેની ધરપકડ કરી છે, જે મહારાષ્ટ્રના સાંગલીનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સાથે જાેડાયેલો હોઈ શકે છે. તપાસ એજન્સીઓના મતે આ નેટવર્કના સંબંધ મધ્ય પૂર્વના દેશો, મ્યાનમાર તેમજ ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરો સુધી ફેલાયેલા હોય શકે છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીને ખાસ આ કામ માટે રાખવામાં આવ્યો હતો અને તેને દર મહિને આશરે રૂ. ૮૦ હજારનું વેતન આપવામાં આવતું હતું. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ ત્રણ વખત લગભગ ૨૦-૨૦ કિલો સોનાની દાણચોરી સફળતાપૂર્વક કરી ચૂક્યો હતો અને ચોથી વખત આ જ પ્રકારનું સ્મગલિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે ઝડપાઈ ગયો હતો. પોલીસ હવે આ સમગ્ર નેટવર્ક, તેના નાણાકીય સ્ત્રોતો અને આંતરરાષ્ટ્રીય કડીઓ અંગે વિસ્તૃત તપાસ કરી રહી છે.



