
ગુજરાત સરકારની અનોખી પહેલ.ગુજરાત રાજ્યના ૧.૮૯ કરોડ બાળકોનો બનશે હેલ્થ પાસપોર્ટ.જન્મથી ૧૮ વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, પોષણનું સ્તર અને બીમારીઓનું ટ્રેકિંગ હવે એક જ ડોક્યુમેન્ટમાં; રાજ્યની ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો કરશે કામગીરી.સ્વસ્થ ભારત ના નિર્માણ માટે સ્વસ્થ બાળપણ ને મૂળભૂત આધાર ગણીને ગુજરાત સરકારે બાળકોના આરોગ્યલક્ષી ભવિષ્ય માટે એક અનોખી અને ઐતિહાસિક પહેલ હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ૦ થી ૧૮ વર્ષની વયના તમામ બાળકો માટે વિશેષ હેલ્થ પાસપોર્ટ બનાવવાનો ર્નિણય લેવાયો છે. ગત ૨૭ જૂન, ૨૦૨૬ ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહત્વાકાંક્ષી રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના આશરે ૧.૮૯ કરોડ બાળકોની મેડિકલ હિસ્ટ્રી અને સ્વાસ્થ્યની તમામ વિગતો એક જ દસ્તાવેજમાં સુરક્ષિત રાખવામાં આવશે.
સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) અંતર્ગત હાલમાં રાજ્યમાં ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે, જે દર વર્ષે આશરે ૧.૮૯ કરોડ બાળકોનું ચેકઅપ કરે છે. અગાઉ આ હેલ્થ ચેકઅપનો ડેટા માત્ર ડિજિટલ પોર્ટલ પર જ ઉપલબ્ધ રહેતો હતો, પરંતુ હવે વાલીઓ અને બાળકોને એક ફિઝિકલ હેલ્થ પાસપોર્ટ પણ આપવામાં આવશે.
વાલીઓની સુવિધા માટે આ પ્રક્રિયા એકદમ સરળ રાખવામાં આવી છે. આ પાસપોર્ટ બનાવવા માટે માતા-પિતાએ કોઈ જ વધારાના દસ્તાવેજાે રજૂ કરવાની જરૂર રહેશે નહીં.
આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુળ અને સ્પેશિયલ સ્કૂલોમાં આરોગ્ય ટીમો દ્વારા હેલ્થ સ્ક્રીનિંગ અને ડિજિટલ ડેટા એન્ટ્રી થયા બાદ તરત જ સ્થળ પર જ બાળકને આ પાસપોર્ટ સોંપી દેવામાં આવશે.
આ કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નથી, પરંતુ બાળકની પર્સનલ મેડિકલ હિસ્ટ્રી રજૂ કરતો એક માસ્ટર દસ્તાવેજ (Master Document) છે. તેમાં SH-RBSK અંતર્ગત આવરી લેવાયેલી ચાર મુખ્ય કેટેગરી (4D) નું સંપૂર્ણ અપડેટ હશે:
Defects at birth (જન્મજાત ખામીઓ)
Diseases (બીમારીઓ)
Deficiencies (પોષણની ઉણપ)
Developmental delays (વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા)
આ ઉપરાંત, બાળકની શારીરિક અને માનસિક વૃદ્ધિ, પોષણનું સ્તર, રેફરલ સર્વિસીસ, સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ, જીવનશૈલી અંગેની સલાહ તથા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર્સ પણ આ પાસપોર્ટમાં સામેલ હશે. સરળ શબ્દોમાં કહીએ તો, પરિવારને બાળકના સ્વાસ્થ્ય સાથે જાેડાયેલી દરેક નાની-મોટી માહિતી હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે.
સરળતા ખાતર હેલ્થ પાસપોર્ટને દર વર્ષે રિન્યૂ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ૫ વર્ષ સુધીના અને શાળાએ ન જતા બાળકોના પાસપોર્ટને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના મેડિકલ ઓફિસર દ્વારા રિન્યૂ કરવામાં આવશે. જ્યારે, શાળાએ જતા વિદ્યાર્થીઓનું કાર્ડ જે-તે શાળાના આચાર્ય (Principal) દ્વારા રિન્યૂ કરાશે.
આ પહેલની સૌથી મોટી વિશેષતા તેનું ડિજિટલ ઇન્ટિગ્રેશન છે. ફિઝિકલ પાસપોર્ટને SH-RBSK ડિજિટલ પોર્ટલ સાથે સંપૂર્ણ રીતે લિંક કરવામાં આવશે. જાે કોઈ કારણોસર ફિઝિકલ હેલ્થ પાસપોર્ટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો મોબાઇલ હેલ્થ ટીમની મદદથી નવો પાસપોર્ટ આસાનીથી મેળવી શકાશે.



