
ટ્રેન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી હૈદરાબાદના રેલવે સ્ટેશન પર ભયાનક આગ! ૭ બોગી લપેટમાં આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના કોચને પણ લપેટમાં લીધા હતા હૈદરાબાદના ચર્લાપલ્લી રેલવે સ્ટેશન પર સોમવારે સાંજે ભયાનક આગની ઘટના સામે આવી હતી. પ્લેટફોર્મ નંબર ૫ અને ૬ વચ્ચે મેન્ટેનન્સ માટે ઊભી રાખવામાં આવેલી એક ખાલી ટ્રેનના કોચમાં અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના કોચને પણ લપેટમાં લીધા હતા. કુલ સાત બોગી આગથી પ્રભાવિત થઈ હતી, જેમાં ઓછામાં ઓછી ત્રણ બોગી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જણાવાયું છે.દક્ષિણ મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનને મેન્ટેનન્સના કામ માટે પ્લેટફોર્મ નંબર ૫ અને ૬ વચ્ચે ઊભી રાખવામાં આવી હતી. સોમવારે સાંજે આશરે ૬:૩૦ વાગ્યે એક બોગીમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ૬:૩૫ વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં એક કોચ સુધી મર્યાદિત રહેલી આગ ઝડપથી બાજુની બોગીઓ સુધી ફેલાઈ ગઈ હતી.
આગની ગંભીરતા જાેતા રેલવે કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ અન્ય ટ્રેનો સુધી ન ફેલાય તે માટે અસરગ્રસ્ત બોગીઓને અલગ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે વીજળીનો પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ સાંજે લગભગ ૭:૧૫ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રેલવે પોલીસ અને અધિકારીઓએ પણ સમગ્ર કામગીરી પર નજર રાખી હતી.
આ ઘટનામાં સૌથી મોટી રાહત એ રહી કે આગ લાગી ત્યારે ટ્રેન સંપૂર્ણપણે ખાલી હતી. બોગીઓમાં કોઈ મુસાફર હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર મળ્યા નથી. સ્ટેશન પર હાજર લોકોને પણ સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમયસર રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડની કામગીરીને કારણે આગને અન્ય ટ્રેનો અને સ્ટેશનના મહત્વપૂર્ણ વિસ્તારો સુધી પહોંચતી અટકાવવામાં આવી હતી.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. દક્ષિણ મધ્ય રેલવે દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે કોઈ અન્ય ટેકનિકલ ખામીના કારણે તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તપાસ બાદ આગ પાછળનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગત સ્પષ્ટ થવાની શક્યતા છે.




