
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
કલાને કોઈ સીમાડા નથી હોતા દિલ્હીના હાર્દ સમાન કનોટ પેલેસ નો અત્યંત ભાવુક કરી દેતો એક વિડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ કલાકાર રસ્તા ના કિનારે બેસીને વાંસળી વગાડતા જોવા મળે છે. તેમની મધુર ધૂન સાંભળીને ત્યાંથી પસાર થતા રાહદારીઓ મંત્રમુગ્ધ થઈને થોડીવાર માટે ત્યાં રોકાઈ જાય છે. આ વીડિયોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની પાસે રાખેલું એક બોર્ડ બન્યું છે જેના પર લખેલા શબ્દોએ લાખો લોકોને ભાવુક કરી દીધા છે.
તેમની પાસે રાખેલા બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું છે: I AM NOT A BEGGER, JUST WANT TO TOUCH YOUR SOUL WITH THE HELP OF MUSIC (હું ભિખારી નથી માત્ર સંગીતના માધ્યમથી તમારા આત્માને સ્પર્શવા માંગુ છું)
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વૃદ્ધ ઓતપ્રોત થઈને પુરા દિલથી વાંસળી વગાડી રહ્યા છે બોર્ડ પર લખેલ તેમનો આ સંદેશ સ્પષ્ટ કરે છે કે તેઓ લોકો પાસે ભીખ નથી માંગી રહ્યા પરંતુ પોતાની અદ્ભુત કલા અને સંગીતના સૂર રેલાવીને લોકો સુધી પોતાની લાગણીઓ પહોંચાડવા માંગે છે. આ ઉંમરે પણ તેમનું આ સ્વાભિમાન અને કલા પ્રત્યેનો પ્રેમ જ લોકોને સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યા છે.



