
સિરિયામાં સુરક્ષા ભંગ દમાસ્કસમાં શ્રેણીબદ્ધ મોટો બોમ્બ બ્લાસ્ટ થયો ફ્રાન્સના પ્રમુખ મેક્રોન રોકાયા હતા તે હોટેલ નજીક વિસ્ફોટ; પ્રમુખ સુરક્ષિત, સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક સિરિયાની રાજધાની દમાસ્કસમાં મંગળવારે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી સમગ્ર શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી.
વિસ્ફોટો ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન રોકાયા હતા તે હોટેલની નજીક થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સિરિયાની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઊભા થયા છે. જાેકે, ફ્રાન્સના પ્રમુખ આ ઘટનામાં સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું ફ્રેન્ચ સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિસ્ફોટો સમયે પ્રમુખ મેક્રોન હોટેલમાં હાજર નહોતા. તેઓ તે સમયે સિરિયાના નવા પ્રમુખ અહેમદ અલ-શરા સાથે સત્તાવાર બેઠકમાં વ્યસ્ત હતા. ઘટના બાદ સુરક્ષા દળોએ હોટેલ અને આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તમામ માર્ગો સીલ કરી દીધા હતા. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરોની ઓળખ માટે સુરક્ષા એજન્સીઓ કાર્યરત બની છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે વિસ્ફોટો છતાં પ્રમુખ મેક્રોનનો પ્રવાસ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ જ ચાલુ રહેશે. આ હુમલા પાછળ કયા સંગઠનનો હાથ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
મેક્રોનની આ મુલાકાત રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બશર અલ-અસદના શાસનના અંત બાદ સિરિયાની મુલાકાત લેનારા તેઓ યુરોપિયન યુનિયનના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ સિરિયાના નવા નેતૃત્વ સાથે દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક સ્થિરતા અંગે ચર્ચા કરવાનો હતો.
વિશ્લેષકોના મતે તાજેતરના રાજકીય પરિવર્તન છતાં સિરિયામાં સુરક્ષાની સ્થિતિ હજુ પણ પડકારજનક છે. વર્ષો સુધી ચાલેલા ગૃહયુદ્ધ અને વિવિધ સશસ્ત્ર સંગઠનોની હાજરીને કારણે દેશમાં સ્થિરતા સ્થાપિત કરવી નવા શાસન માટે મોટો પડકાર બની રહી છે. દમાસ્કસમાં થયેલા આ વિસ્ફોટોએ ફરી એકવાર સિરિયાની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઉજાગર કરી છે.




