
ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં ખેડૂતોની સંમતિ વગર નાંખવામાં આવેલી ગેસ પાઇપલાઇનના વિરોધમાં ચાલી રહેલા આંદોલનનો આજે નવમો દિવસ રહ્યો. આંદોલનને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સતત નવમા દિવસે પણ ખેડૂતોની વચ્ચે હાજર રહ્યા અને ખેડૂતોની લડતને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું. આ પ્રસંગે બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને લેખિતમાં કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી. જ્યાં સુધી સરકાર લેખિતમાં ખેડૂતોના હિતોની ખાતરી આપશે નહીં, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે અડીખમ ઊભી રહેશે અને તેમની લડતમાં ખભેખભા મિલાવીને લડશે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે ચોમાસાની વાવણીના સૌથી મહત્વના સમયે ખેડૂતોને પોતાના ખેતરમાં કામ કરવાને બદલે રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની ફરજ પડી રહી છે. સરકાર ખેડૂતોની વાત સાંભળવાને બદલે તેમની સમસ્યાઓને અવગણી રહી છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જો સરકાર ખેડૂતોની વાજબી માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય નહીં લે અને તેમની વાત નહીં સાંભળે, તો ખેડૂતો પોતાના અધિકારો માટે ભગતસિંહના માર્ગે ચાલતાં પણ અચકાશે નહીં. સરકાર સમયસર ખેડૂતો સાથે સંવાદ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે.






