
બેંકોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખતા રૂપિયા ૨૬,૧૭૦.૩૭ કરોડ વસૂલ્યા ગ્રાહકોને રાહત આપવા માટે, દેશની ૧૨ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ૧૦ બેંકોએ બચત ખાતાઓ પર દંડ સંપૂર્ણપણે નાબૂદ કર્યાે દેશની બેંકોએ છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી પેટે રૂપિયા ૨૬,૧૭૦.૩૭ કરોડ વસૂલ્યા છે. આ માહિતી નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપી હતી. આ અંગે રાજયસભામાં માહિતી આપી હતી કે બેંકોએ છેલ્લા ચાર નાણાકીય વર્ષ ૨૩ થી નાણાકીય વર્ષ ૨૬ દરમિયાન ગ્રાહકો પાસેથી જરૂરી મિનિમમ બેલેન્સ જાળવવામાં બદલ દંડ વસૂલ્યો છે.આ ડેટા મુજબ દંડમાં વધારો થઈ રહ્યો છે. સંસદીય માહિતી અનુસાર, બેંકોએ ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષ દરમિયાન ગ્રાહકો પાસેથી રૂપિયા ૭,૦૮૬.૬૩ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં રૂપિયા ૬,૯૭૪.૭૯ કરોડ દંડ વસૂલ્યો હતો. વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષાે વચ્ચે બેંકોએ મિનિમમ બેલેન્સ ન જાળવવામાં બદલ રૂપિયા ૨૬,૧૦૦ કરોડથી વધુ દંડ વસૂલ્યો હતો. વર્ષ ૨૦૨૫-૨૬ ના નાણાકીય વર્ષના ડેટા દર્શાવે છે કે દંડ વસૂલવામાં ખાનગી બેંકોએ જાહેર ક્ષેત્રની બેંકો આગળ છે. જેમાં ખાનગી બેંકોએ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા ૪૯૪૮.૭૧ કરોડ દંડ વસૂલ્યા હતા. એચડીએફસી બેંકે રૂપિયા ૧૭૯૮. ૧૪ કરોડ અને એક્સિસ બેંકે રૂપિયા ૧૦૮૧.૩૩ કરોડ વસૂલ્યા હતા. જેમાં સામૂહિક રીતે ૧૨ જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ રૂપિયા ૨૧૩૭.૯૨ કરોડ વસૂલ કર્યા. તેમાંથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રૂપિયા ૪૭૭.૨૭ કરોડ વસૂલ કર્યા હતા. ત્યારબાદ બેંક ઓફ બરોડા રૂપિયા ૩૯૪.૧ કરોડ વસૂલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એસબીઆઇએ માર્ચ ૨૦૨૦ થી બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ દંડ અગાઉ ફક્ત ચાલુ ખાતાઓ અથવા અન્ય ચોક્કસ પ્રકારના ખાતાઓ પર લાગુ પડતો હતો. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માર્ગદર્શિકા હેઠળ, બેંકોને તેમની વ્યવસાયિક નીતિઓના આધારે દંડ નક્કી કરવાની પરવાનગી છે. જો કે આ નીતિઓ પારદર્શક હોય.જોકે, ગ્રાહકોને રાહત આપવા માટે, દેશની ૧૨ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ૧૦ બેંકોએ બચત ખાતાઓ પર દંડ સંપૂર્ણપણે નાબૂદ કર્યાે છે.જ્યારે બાકીની બે બેંકોએ તેમને વધુ વાજબી બનાવવા માટે તેમના ચાર્જ ઘટાડ્યા છે. જો કોઈ ગ્રાહકનું બેલેન્સ ન્યૂનતમ મર્યાદાથી નીચે જાય તો બેંકે કોઈપણ દંડ કાપતા પૂર્વે ગ્રાહકને એસએમએસ , ઇમેઇલ અથવા પત્ર દ્વારા જાણ કરવી જોઈએ.




