
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડીયોના માધ્યમથી સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકો યા તો ખૂબ શાતીર છે અથવા તો ખૂબ મૂરખ છે, અને તેઓ ગુજરાતના લોકોને પણ મૂરખ સમજી રહ્યા છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં કેટલાક લોકોના મૃત્યુ થયા બાદ હવે સરકાર પોતાની ઈજ્જત બચાવવા માટે ખૂબ મોટા નાટકો આદરી રહી છે અને લોકોને છેતરવાનું કામ કરે છે. સરકારની આ નીતિ “ચોરને કહે છે ચોરી કર, અને વોચમેનને કહે છે જાગતો રહેજે” જેવી છે. જો સરકારે ખરેખર દારૂના દૂષણને દૂર કરવું હોય તો આ નાટકો બંધ કરવા જોઈએ. સરકારે જાહેરાત કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે કે 21 તારીખ સુધી દારૂના અડ્ડાઓ પર સ્પેશિયલ ડ્રાઇવ ચાલશે, જે અત્યંત હાસ્યાસ્પદ બાબત છે.
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આવી જાહેરાતોના કારણે દારૂ વેચનારાઓ અને બુટલેગરો ત્રણ-ચાર દિવસ પૂરતું બધું સંકેલી લેશે. ત્યારબાદ પોલીસ ‘સિંઘમ’ બનીને ફરશે અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરશે કે ગુજરાતમાં કોઈ દારૂ વેચાતો નથી. જો સરકાર ખરેખર આ દૂષણ બંધ કરાવવા માંગતી હોય, તો આવી જાહેરાતો કર્યા વગર દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા જોઈએ અને અડ્ડાઓ કાયમ માટે બંધ કરાવવા જોઈએ. આ સરકાર અને બુટલેગરોની મિલીભગત છે. સરકારે ગુજરાતમાં ક્રાઇમ રેટ એટલો બધો વધારી દીધો છે કે હવે જનતા તેમને બરાબર ઓળખી ગઈ છે. જો સરકાર ખરેખર રાજ્યમાં ગુનાખોરી ઘટાડવા માંગતી હોય તો દારૂ અને ડ્રગ્સના દૂષણ પર સાચી કાર્યવાહી કરી બતાવે, નહીંતર ગુજરાતના લોકો તેમને ક્યારેય માફ નહીં કરે.




