
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવા અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ગત વખતે આમ આદમી પાર્ટી પ્રથમ વખત એ ચૂંટણીનો ભાગ બની હતી. પ્રથમ વખત જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી, ત્યારે જ પ્રથમ ચૂંટણીમાં પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકાના ઇલેક્શનમાં ૨૨ ટકા જેટલા મતો મેળવ્યા હતા. જે પરંપરાગત સિલસિલો ચાલે છે તે જ રીતે કોંગ્રેસમાંથી પણ ૩ સભ્યો તૂટ્યા અને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. આનાથી વિરોધપક્ષ જેવું કશું બચવા દીધું નથી અને કોંગ્રેસના લોકોએ ગાંધીનગરના લોકોના મતો સાથે દ્રોહ કરીને જનતાને ભાજપના ભરોસે છોડી દીધી. ભાજપની તાનાશાહી અને દાદાગીરીથી આપણે સૌ સારી રીતે વાકેફ છીએ.
ત્યારે હવે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે, તેમાં પૂરી મજબૂતાઈ અને પૂરી તાકાત સાથે ગાંધીનગરની જનતાના જે પ્રશ્નો છે તેને વાચા આપવા અને તેનો ઉકેલ લાવવા માટે લડશે. આમ આદમી પાર્ટી માત્ર ચૂંટણી લડવાની જ નથી, પરંતુ જે રીતે ગાંધીનગરમાં સંગઠન ઊભું થયું છે અને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે તે જોતાં ગાંધીનગરના લોકો પણ બદલાવ અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ગાંધીનગરમાં આવનારી 11 ઓક્ટોબરે જે ચૂંટણી યોજાવાની છે અને ત્યારબાદ 13 ઓક્ટોબરે જે પરિણામ આવવાનું છે, તેમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની બહુમતી આવશે અને ’આપ’ નો મેયર બનશે. જનતાને ન્યાય અપાવવાની નેમ સાથે આમ આદમી પાર્ટી પૂરી મજબૂતાઈ અને તાકાતથી ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણી લડવા માટે તૈયાર છે.




