
ફિલ્મ ‘વાઇબ’ વિશે કર્યાે મોટો ખુલાસો બૉલીવુડમાં અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું ધમાકેદાર કમબેક ફિલ્મમાં પ્રીતિ કુણાલ ખેમુ અને સ્પર્શ શ્રીવાસ્તવના પાત્રોને એક ગુપ્ત મિશન માટે તૈયાર કરતી જાેવા મળશે
બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ મોટા પડદા પર કમબેક કરી લીધું છે. પ્રીતિ ઝિન્ટા, સની દેઓલની ફિલ્મ ‘બટવારા’માં જાેવા મળી હતી અને તેના અભિનયની પ્રશંસા પણ થઈ હતી. હવે તે કોમેડી ફિલ્મ ‘વાઇબ’માં પણ જાેવા મળવાની છે. તાજેતરમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેણે આ ફિલ્મ શા માટે સાઇન કરી અને કેવી રીતે તે આ પ્રોજેક્ટનો ભાગ બની હતી. પ્રીતિ ઝિન્ટાએ ખુલાસો કર્યાે હતો કે ‘વાઇબ’ સાથે તેની સફર ફરહાન અખ્તરના એક ફોન કોલથી શરૂ થઈ હતી. ત્યાર બાદ ડિરેક્ટર કુણાલ ખેમુએ ફિલ્મનું નેરેશન આપ્યું, જેમાં હ્યુમર અને એક્શનના મિશ્રણે પ્રીતિનું ધ્યાન તરત જ ખેંચી લીધું હતું. આ સમગ્ર ઘટનાને યાદ કરતાં પ્રીતિ ઝિન્ટાએ કહ્યું, ‘મને ખબર હતી કે આ એક રસપ્રદ સ્ક્રિપ્ટ હશે, કારણ કે ફરહાન અખ્તરે મને ફોન કર્યાે હતો. મને લાગે છે કે તેમને સ્ક્રિપ્ટ વિશે ખબર હતી. તેમણે કહ્યું કે આ ખૂબ સારી સ્ક્રિપ્ટ છે. તો મેં કહ્યું કે ઠીક છે, મને સંભળાવો.’ અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે સમયે તેને ખબર નહોતી કે કુણાલ ખેમુએ ‘મડગાંવ એક્સપ્રેસ’નું દિગ્દર્શન કર્યું હતું.આખરે કઈ બાબતે તેણે ‘વાઇબ’ માટે હા કહેવા પ્રેરિત કરી? આ અંગે પ્રીતિ ઝિન્ટાએ કહ્યું, ‘મેં સ્ક્રિપ્ટ સાંભળી અને મને તે ખૂબ જ મજેદાર લાગી હતી. હું તેમાં એક્શન હોવાને લઈને પણ ઉત્સાહિત હતી. મારા માટે હંમેશાં વાર્તા મહત્વની હોય છે અથવા મને કોઈ ફિલ્મની વાઇબ પસંદ આવવી જાેઈએ. મને લાગ્યું કે આ મજેદાર લાગી રહી છે.’‘વાઇબ’માં પ્રીતિ ઝિન્ટા ‘મેડમ એચ’ નામની એક સુપર સ્પાયની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં તે કુણાલ ખેમુ અને સ્પર્શ શ્રીવાસ્તવના પાત્રોને એક ગુપ્ત મિશન માટે તૈયાર કરતી જાેવા મળશે. ફિલ્મમાં પ્રીતિએ અનેક એક્શન સિક્વન્સ પણ કર્યા છે, જેને લઈને તે ખૂબ જ ઉત્સાહી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં કુણાલ ખેમુ સાથે પ્રીતિ ઝિન્ટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને વંશિકા ધીર જાેવા મળશે. યશપાલ શર્મા અને દિનેશ લાલ યાદવ પણ મહત્વની ભૂમિકામાં છે. ‘વાઇબ’ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો મુકાબલો કરીના કપૂરની ફિલ્મ ‘દાયરા’ સાથે થશે. રસપ્રદ વાત એ છે કે કરીના કપૂરની નણંદ સોહા અલી ખાનના પતિ કુણાલ ખેમુ છે. એટલે એક જ પરિવારના બે સભ્યોની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાની છે. ‘દાયરા’ અને ‘વાઇબ’ના ક્લેશ અંગે જ્યારે કરીના કપૂરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘કુણાલ ખેમુ એક શાનદાર અભિનેતા છે અને બંનેમાંથી કોઈની પણ ફિલ્મ ચાલે, પૈસા અને ટ્રોફી તો એક જ ઘરમાં આવશે.’કરીનાએ વધુમાં કહ્યું કે અત્યારે બંને ફિલ્મો માટે પૂરતી સ્ક્રીન્સ ઉપલબ્ધ છે. તેમના મતે સમસ્યા ત્યારે ઊભી થાત જ્યારે પૂરતી સ્ક્રીન્સ ન હોત અને બંને ફિલ્મો એકબીજાની સ્ક્રીન સ્પેસ પર કબજાે કરતી હોત. બીજી તરફ, ફિલ્મોના ક્લેશ અંગે કુણાલ ખેમુએ કહ્યું, ‘બંને ફિલ્મોની શૈલી અલગ છે અને હવે અમારી પાસે એટલી બધી સ્ક્રીન્સ છે કે બે સારી ફિલ્મો એકસાથે ચાલી શકે. હું કરીના સહિત ત્રણેય કલાકારોનો મોટો પ્રશંસક છું. મને આશા છે કે બંને ફિલ્મો દર્શકોને પસંદ આવશે.’




