
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તથા ખેડૂત નેતા જીગીશા પટેલે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકામાં ગુંડા તત્ત્વોની અધ્યક્ષતામાં ભાદરકાંઠાના ખેડૂતો માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો હેતુ એવો હતો કે ભાદર ડેમમાંથી સિંચાઈનું પાણી વાપરવાની ના પાડી દેવાઈ હતી, એટલે જ આ મીટિંગ રખાઈ હતી. મીટિંગમાં એવું કહેવામાં આવ્યું કે “અમે કહીશું એટલે હવે સિંચાઈનું પાણી આપી દેવામાં આવશે અને સરકારી મંડળીઓના ટ્રાન્સફોર્મર પણ અમે કહીશું એટલે નહીં ઉતારે.” પણ મારે તમને એ સમજાવવું છે કે PGVCL અને સિંચાઈ ખાતું કોણ ચલાવે છે? સરકાર. અને સરકાર કોની છે? ભારતીય જનતા પાર્ટીની. ખેડૂતોને સિંચાઈનું પાણી ન લેવાનું ફરમાન કોણ કરે છે? સરકાર. ખેડૂતો પર દબાણ ઊભું કોણ કરે છે? સરકાર. દબાણ ઊભું કરીને મીટિંગનું આયોજન પણ સરકાર જ કરે છે, જેથી વોટ મેળવી શકાય. સરકારી ખાતાઓ પણ સરકાર કહે તેમ જ કરે છે. પહેલાં ખેડૂતોને હેરાન કરવા પાણી બંધ કરાવ્યું અને પછી પોતે જ આવીને પાણી આપવાની વાતો કરે છે. મીટિંગમાં તમે વાત કરી કે સુલતાનપુરની ભૂલ થઈ ગઈ. કઈ રીતે ભૂલ થઈ? તો, સુલતાનપુરની તાલુકા પંચાયતની સીટમાં ભાજપની જગ્યાએ આમ આદમી પાર્ટીને જીતાડી. તમે ત્યાં એવી વાત કરી કે “તમે લોકો મને ઓળખો છો ને?” હા ગોંડલની જનતા તમને ખૂબ સારી રીતે ઓળખે છે. તમે કેવા કાંડ અને ભ્રષ્ટાચાર કર્યા છે, રોડ-રસ્તાના પૈસા ખાઈ ગયા છો, કેટલાય બે નંબરના ધંધાઓને પ્રોત્સાહન આપો છો અને જે હત્યાઓ થઈ છે, તેના આરોપી પણ તમે જ છો. ગોંડલની જનતા આ બધું જ ખૂબ સારી રીતે જાણે છે તમને.
વધુમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા જીગીશા પટેલે જણાવ્યું હતું કે, બીજી વાત મારે એ કરવી છે કે આ મીટિંગમાં મત માંગવાની વાત કોણે કરી? તમે કહ્યું કે “સિંચાઈનું પાણી ન વાપરવાનું જે ફરમાન છે તે અમે રદ કરાવી દેશું, બદલામાં તમે અમને મત આપો.” તો તમે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા ગયા હતા કે મત માંગવા? પાણી બંધ કરનાર અને ટીસી ઉતારવાની વાતો કરનાર ખાતાઓ ભાજપ સરકારના જ છે. ખેડૂતો મૂર્ખ નથી, તેઓ બધું સમજે છે. મને ગામેગામથી ખેડૂતોએ ફોન કરીને કહ્યું છે કે દરેક વખતે ચૂંટણી વખતે એમને ધમકી આપવામાં આવે છે કે જો મત નહીં મળે તો કનેક્શન કાપી નાખીશું. આ ઉપરાંત, “ગોરધનભાઈ ઝડફિયા મારા ખૂબ સારા મિત્ર હતા. હું ઘણીવાર તેમની પાસેથી માર્ગદર્શન લેતા અને સરકારના કામો માટે ફોન કરતો.” જો તમે ગોરધનભાઈ ઝડફિયા પાસેથી માર્ગદર્શન લેતા હોવ તો આ વખતે તમારા એ ખૂબ સારા મિત્ર ગોરધનભાઈ ઝડફિયા માટે ગોંડલમાંથી ભારતીય જનતા પાર્ટીની વિધાનસભાની ટિકિટ લઈ આવો. પણ આ તમારાથી થશે નહીં, કારણ કે તમે સત્તાના લાલચુ છો અને સત્તા તમારા હાથમાંથી છૂટી ન જાય તેનો તમને ડર છે. કાલે તમે મત માટે જ મીટિંગ કરી હતી તે તમે પોતે જ જાહેર કરી દીધું છે.
વધુમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા જીગીશા પટેલે જણાવ્યું હતું કે, મારે ગોંડલની જનતાને કહેવું છે કે, તમે એક દીકરી સમજીને મને તમારી જે પીડા કહી રહ્યા છો કે અહીં કેવી ગુંડાગર્દી છે, કેવું દબાણ ઊભું કરવામાં આવે છે અને કેવી રીતે બોગસ મતદાન કરાવવામાં આવે છે. વર્ષ 2012માં ગોરધનભાઈ ઝડફિયાને હરાવવાની આપણાથી જે ભૂલ થઈ હતી, તે ભૂલ હવે ફરી ન કરતા. જો તમારે આ 30 વર્ષના દબાણમાંથી મુક્તિ જોઈતી હોય તો સત્તા બદલવી પડશે. હવે આ દબાણમાંથી બહાર નીકળવાની જવાબદારી જેટલી મારી છે એટલી તમારી પણ છે. યાદ કરજો વિનુભાઈ શિંગાળાને, નિલેશભાઈ રાયાણીને , પી.આઈ. ચાવડાને, રાજકુમાર જાટને અને અમિતભાઈ ખૂંટને યાદ કરશો તો તમને સમજાશે કે આપણે કેવા ભયંકર દબાણમાં જીવી રહ્યા છીએ. આપણે આ દબાણમાંથી નીકળવા માટે સત્તા ફેરવી પડશે. જ્યાં સુધી સત્તા અમુક લોકોના હાથમાં હશે ત્યાં સુધી આ દબાણ આપણી વેઠવું પડશે. આપણી આવનારી પેઢી આ દબાણનો ભોગ ન બને તે જોવાની આપણી જવાબદારી છે. આ બે ટકાના ગુંડાઓ આપણી પર ઉપકાર કરવાવાળા કોણ? એ આપણને પાણી દેવાવાળા કોણ? આપણને પાણી તો કુદરત આપે છે, આ કોઈની ઓકાત નથી. ખરી તાકાત તમારા બધા જનતાના હાથમાં છે. આપણને ખબર છે કે પાણી બંધ કરવાનું ફરમાન કોણ જાહેર કરે છે અને કોણ આપણી ઉપર ઉપકાર કરવા માટે હાથ રાખવાના તાઈફાઓ કરે છે. પોતાના ટેક્સના પૈસાનો ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા આવા ગુંડાઓની અધ્યક્ષતામાં મીટિંગો બોલાવીને ખેડૂતો પર દબાણ કરવા તાયફાઓ ભાજપે બંધ કરવા જોઈએ. જનતા બધું જ જાણે છે.




