
ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે ડીપ ડિપ્રેશનની અસરને પગલે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન હવે ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ હવામાન પ્રણાલીને કારણે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધી છે. હવામાન વિભાગે ઓડિશા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.
ડીપ ડિપ્રેશનની અસરને પગલે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ જાહેર કરી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાને પગલે વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ઓડિશા સરકારે ૩૩ ODRAFટીમોને તૈનાત અથવા રિઝર્વમાં રાખી છે. તેમાંથી ૨૪ ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે, જ્યારે ૯ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. ગંજામ અને કોરાપુટમાં ૬-૬ ટીમો સહિત અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ ટીમોની તૈનાતી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને પગલે ઓડિશાના સંવેદનશીલ વિસ્તારોમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર કોરાપુટ, મલકાનગિરી, નબરંગપુર, ગંજામ, ગજપતિ અને ખુર્દા સહિતના જિલ્લાઓમાં ૨૪ સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તંત્રને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. પૂર કે અન્ય આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે શેલ્ટરો પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૨૪ સપ્ટેમ્બરે દક્ષિણ ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ભારે પવનની શક્યતા છે. આ હવામાન પ્રણાલી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા વચ્ચે પસાર થવાની સંભાવના છે.




