
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણો ભારત દેશ વિશાળ જનસંખ્યા ધરાવનારો દેશ છે. એ આપણી એક મોટી મૂડી છે. ખાસ કરીને આ જનસંખ્યામાંના બાળકોને યુવાનો, જેઓ આપણી કાલના ઉત્પાદકો, ઉપભોક્તા, ઉદ્યોગવીરો અને દેશના આર્થિક વિકાસમાં સિંહફાળો આપનારા છે. પરંતુ માત્ર સંખ્યાને લઈને ચાલીશું, તો તે ભારે મોટો ભ્રમ થઈ પડશે. આ સંખ્યામાં સરસ મજાની ઉચ્ચ કક્ષાની નિશાળ માં ભણતાં ધનવાન બાળકો પણ છે અને ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ આગળ હાથ લંબાવીને ભીખ માંગતા નાગાંપૂગાં, ભૂખ્યાં ને ગંદા-ગોબરાં બાળકો પણ છે.
આપણે અદ્યતન માં અદ્યતન કારમાં બેસીને જઈ રહ્યા હોઈએ, લાલ સિગ્નલ આવતાં કાર થોભી હોય, ત્યારે હજી કિશોર-અવસ્થાએ ન વટાવી હોય એવી નાની છોકરી એક હાથમાં નાનકડા બચ્ચાને લઈને બીજા હાથે કારના કાચ ઉપર ટક-ટક કરતી આપણને કાંઈક પાઈ-પૈસો કે ખાવાનું આપવા વિનવતી હોય. પેલી મહાકાય જનસંખ્યામાં તો આવાં બાળકોની સંખ્યા પણ આવી જાય.
અને આવાં બાળકોની સંખ્યા પણ નાનીસૂની નથી હો? આંકડા જ બોલતા હોય, તો તે કહી જાય છે કે આપણા દેશમાં ૨૦ થી ૨૫ ટકા લોકો હજી દારૂણ ગરીબીમાં સબડે છે. તથા ઓછાં નહિ, ૪૫ ટકા જેટલા બાળકો કુપોષણથી ને પૂરતા પોષણના અભાવથી પીડાય છે. અને આ અભૂતપૂર્વ વિકાસનાં છેલ્લા ૧૦ વરસમાંયે સંખ્યામાં હજી ઘટાડો થયો નથી.
આવાં બધાં બાળકો મોટાં થશે ત્યારે ન તો એમને પૂરતું પોષણ મળ્યું હશે, ન કાંઈ શિક્ષણ. તેઓ તમારા આર્થિક વિકાસમાં ફાળો આપી શકે એવાં ને એટલા સક્ષમ ને સશક્ત નહીં હોય. આમ, ભારત આવતાં ત્રણ દાયકામાં દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી આર્થિક સત્તા બની રહેવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવાં વંચિત ને ઉપેક્ષિત બાળકોની આવડી મોટી વિશાળ સંખ્યા દેશ માટે ભારે બોજરૂપ નહીં બની રહે? આપણા ઉદ્યોગ-ધંધામાએ આ એક મૂડી બની રહેશે, મિલકત બની રહેશે કે ભારે મોટી જવાબદારી, ભારે મોટું દેવું? અને આ સમસ્યા વધુ વકરતી ન જાય એ પણ જોવું જ પડશે.




