
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ગુજરાત મોડેલ હવે જાણે કે દારૂ મોડેલ બની ગયું હોય એમ રોજેરોજ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે એનાથી વધારે તો પીવાય છે. છતાં લાજ વાને બદલે ગાજતા રહેતા ગૃહમંત્રી એવા નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી ના હોમ ટાઉન એવા સુરતમાંજ દારૂડિયાઓના જમાવડાથી કંટાળેલા એમની જ BJP પાર્ટીના જ વોર્ડ ૧૬ના BJP મહિલા કોર્પોરેટર સંગીતાબેન પરમારે ભારે આક્રોશ સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સામે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પુણાની ધનવર્ષા વોર્ડ ઓફિસ નજીક પીધેલાઓ અને અસામાજિક તત્વો પડયા પાથર્યા રહેતા હોવાથી મહિલાઓ માટે ત્યાં જવું જોખમરૂપ બની ગયું છે.
આવી રજૂઆત ભારે આક્રોશની સાથે સાથે પુરાવારૂપ આ અસામાજિક તત્વોની તસવીરો પણ બંને હાજર મહાનુભાવો સમક્ષ ટેબલ ઉપર મૂકીને આખી વોર્ડ ઓફિસને જ બીજી શિફ્ટ કરવાની હૈયાવરાળ ઠાલવી હતી. સાથે એ પણ જણાવ્યું હતું કે લેપટોપ-કોમ્પ્યુટર ચોરાયા છતાં જો SMCનું તંત્ર ગાઢ નિંદ્રામાં પોઢેલું હોય ત્યારે ફરિયાદ કોને કરવી? હવે ધનવર્ષા વોર્ડ ઓફિસ અંગે થયેલી રજૂઆતથી તંત્ર સફાળું જાગીને કામગીરી કરવા સક્રિય બન્યું છે. આ ફરિયાદથી એટલું તારણ જરૂર નીકળે છે કે શહેર માં હવે જાણે કે પોલીસની કોઈ હાક કે ધાક જેવું કંઈ છે જ નહી. કારણ ગૃહમંત્રીના ઘર આંગણે એવા સુરતમાં જ પોલીસનો વહીવટદારો, P.S.I, P.I, થી લઈ સુરત
મ.ન.પા માં જ કેટલાક અધિકારીઓ ત્રણ ત્રણ વર્ષ ઉપરાંતથી ચીપકી રહ્યા હોય ત્યારે બુટલેગરો સાથે સંબંધો ના બંધાય એવું બને ખરૂં?
એટલું જ નહિ પરંતુ ગૃહમંત્રી જે વિસ્તાર માંથી ચૂંટાયા છે એવા હાઈફાઈ એરીયા કહેવાય એવા ડુમ્મસ, વેસુ, સીટીલાઈટ જેવા પોશ એરીયામાં તો મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલોની હોમ ડીલીવરી થઈ રહી છે. અને એનાથી માત્ર પોલીસ જ નહીં આખું સુરત માહિતગાર હોય ત્યારે ગૃહમંત્રી તમે અજાણ કઈ રીતે હોઈ શકો? પછી આ મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો માત્ર પુરુષોનો જ ઇજારો નથી રહી પરંતુ પુરુષ સમોવડી બની રહેલી ઉચ્ચ પરિવારોની મહિલાઓ પણ એમાંથી બાકાત નથી. એટલે હવે એમ કહેવાય કે જેમ મુંબઈમાં ખુલ્લે આમ બિયર બારો ચાલી રહ્યા છે એ જ પ્રમાણે સુરત પણ જાણે કે બીજું મુંબઈ હોય એમ સુરતના પોશ વિસ્તારોના હાઇફાઇ બંગલાઓ, ફાર્મ હાઉસો, લક્ઝરીયસ ફ્લેટો અને A.C હોટલોમાં જોઈએ એ બ્રાન્ડનો વિદેશી દારૂ મળવા
સાથે ચખણાં, ઠંડા પીણાં, સોડા, સહિતની તમામ સગવડો ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી હોય ત્યારે પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને જોયા ના કરે તો બીજું કરે પણ શું? કારણ પોલીસની પણ સાથે સગવડ સચવાતી હોય તો ત્યાં મારે શું ની નીતિ જ અપનાવીને બેસી રહેવાનુ હોય છે.
હું તમારી શું સેવા કરી શકું છું? આ સૂત્ર માત્ર ને માત્ર દેખાવ પૂરતું જ પોલીસ સ્ટેશન માં શોભતું હોય છે. કારણ આ સૂત્ર પ્રજાના કામ માટે ક્યારેય સાર્થક નથી થતું. પરંતુ બધી જ જાતની સેવાઓની આ તમામ સગવડો માત્ર ને માત્ર VIP ઓને મળતી હોય છે. અને બધા જ આવી ગયા મંત્રીથી લઈ સંત્રી અને બુટલેગરો પણ પોલીસની સરભરાનો લાભ લેતા હોય છે.
હવે વાત કરીએ અસલી બ્રાન્ડ દારૂના નામે નકલી માલના દારૂના થતાં વેચાણની. આજકાલ જે રીતે ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, દૂધ, ચીઝ, પનીર, માવો, તેલ વિગેરે ધૂમ નફા સાથે નફાખોરો જે રીતે પ્રજાના પેટમાં પધરાવી રહ્યા છે અને પ્રજાના આરોગ્ય સાથે રમત રમી પ્રજાના રામ રમાડી રહ્યા છે એ જ રીતે બુટલેગરો પણ અસલી બ્રાન્ડ દારૂના નામે નકલી (ડુપ્લીકેટ) માલની બોટલ મોંઘા ભાવે પીનારાઓને પધરાવી પીનારાઓના લીવર ખરાબ કરી પીનારાઓને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. એ જોતા હવે ગુજરાત મીની દમણની સાથે સાથે મીની મુંબઈ બનતું જઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. છેલ્લે એક વાત, ગુજરાતના બહુ ગાજતા ગૃહમંત્રીના રાજમાં લઠ્ઠાકાંડ માં મોટી સંખ્યામાં મરતા દારૂના બંધાણીઓના મોતથી સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો હાહાકાર છતાં ગૃહમંત્રીને એની કોઈ અસર નહીં એનાથી મોટી શરમ જનક બાબત ગૃહમંત્રી માટે શું હોઈ શકે? આજે દારૂના દૈત્યનો પંજો છેવાડાના ગામડાના છેડાથી લઈ ગુજરાતના મેટ્રો સીટીની હોટલો અને આલીશાન રહેઠાણોમાં ફેલાયેલો હોય ત્યારે પ્રજા પાસે એક માત્ર વિકલ્પ છે કે ગુજરાત ના નાયબ મુખ્ય મંત્રી સ્વેચ્છાએ રાજીનામું આપીને પોતાની નિષ્ફળતા સાબિત કરે એ જ ઇચ્છનીય છે.




