
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતમાં અત્યારે માત્ર ને માત્ર બે જ ધંધામાં આંધળી કમાણી છે. એક છે ધર્મનો ધંધો બીજો છે રાજકારણનો ધંધો. આ બંને ધંધા માં ખાસ કોઈ ડીગ્રીની કે જનરલ નોલેજ ની જરૂર પડતી નથી. ત્યારે એવા એક ધંધા રાજકારણ ની આજે વાત કરીએ તો રાજકારણ નો “રા” નહિ જાણનારા અને એમના જ મહોલ્લામાં ત્રીજા ઘરે જેમને કોઈ ઓળખતું ન હતું એવા લોકો જાણીતી પાર્ટીના કોઈ આગેવાન નેતાની આંગળી પકડીને મોટા નેતાઓની ઓફિસોએ આંટા ફેરા મારતા થઈ જતા હોય છે. અને આમાં ભાઈ પણ હોય અને બહેન પણ હોય એવા લોકો નેતાઓની દલાલી કરી જેને જી હજુરી કહેવાય એવી હાજી હા કરી ને એમને લાઈજીંગ (વહીવટ) કરીને એકાએક કોઈ મોટા નેતાના આર્શિવાદ પ્રાપ્ત કરી લેતા હોય છે.
અને આવા લોકો ભલે પોતાના મા-બાપ ની સેવા ના કરે પરંતુ રાજકારણીઓને દંડવત પ્રણામ કરીને વોર્ડ પ્રમુખથી લઈને કોર્પોરેટર, ધારાસભ્ય અને સંસદ સભ્ય બની જતા હોય છે અને આવા લોકો ને રાજકીય ગોડ ફાધર ના કારણે એકાએક ટીકીટ મળી જતી હોય છે. પછી એ ગમે તે પાર્ટીના હોય. આવા લોકો જીતીને આવે છે ત્યારે જોવાની ખૂબી એ છે કે ચૂંટણીમાં જીત્યા પહેલાં જેમની પાસે ટુ-વ્હીલરના ફાંફા પડતા હતા. એવા લોકોનો જીત્યા પછી મોટી ગાડીઓમા ફરવા સાથે એમનો એટીટ્યુટ પણ બદલી જતો હોય છે. એટલું જ નહિ આવી વ્યક્તિને ગઈકાલ સુધી કોઈ ઓળખતું ન હતું એવા લોકો જીત્યા પછી જાણે કે કોઈ મોટા ગજા નો નેતા હોય એમ એના હાવભાવ, વાણી, વર્તન, કપડાની સાથે એમના જીતના નશામાં એમનો મૂળ સ્વભાવ પણ બદલાઈ જતો હોય છે. આ સાથે આવા લોકોને જીત્યા પછી જ્યાં પોતે બાળપણ કાઢયુ હતું જે પાડોશીઓ એમના સુખ દુઃખ ના સાથી રહ્યા હોય એવા પાડોશીઓ વચ્ચે રહેવાનું એમને ગમતું હોતું નથી. કારણકે જીતના નશામાં એમને સ્ટેટ્સ નીચું પડતું હોવાની લાગણી થતી હોય છે એને કારણે જુના પાડોશીઓ ને છોડી ને અન્ય હાઇફાઇ રહેણી કરણીવાળા વિસ્તારોમાં રહેતા થઈ જતા હોય છે.
કારણ કે સામાન્ય પરિસ્થિતિમાંથી આવનારા આવા કહેવાતા નેતાઓ એમના ગોડફાધર ના કારણે જીત મેળવ્યા પછી મોટા મહેલ જેવી બિલ્ડીંગ ઉભી કરી ને મોંઘીદાટ ગાડીઓ, મોટા મોટા બંગલાઓમાં રહેતા થઈ જતા જુના સુખ દુઃખ ના સાથી એવા પાડોશીઓને પણ ભૂલી જતા હોય છે. કારણ કે જીતના નશામાં અભિમાન, તિરસ્કાર અને અન્ય વ્યક્તિ પ્રત્યે ની તિરસ્કાર ની ભાવના જેવા અવગુણો જીત્યા પછી એમના મગજ માં પ્રવેશતા હોવાથી આવા લોકો પોતાની જાત ને હું કંઈક છું અને સામેવાળો કંઈ જ નથી ની ભાવના થી પીડાતા હોય છે. આતો થઈ જ્યાંથી ચૂંટાયા અને ત્યાં સ્થાનિક કક્ષાએ વસાવેલી મિલકત ની વાત પરંતુ જીત્યા પછી પાછા એમના પોતાના વતનમાં બંગલા, ફાર્મ હાઉસો, બનાવીને પોતાના નજીકના સગા-સંબંધીઓને માલા-માલ કરી દેતા હોય છે. આ ચમત્કાર જોયા પછી કોઈ પણ સામાન્ય મનુષ્યને મન માં એ સવાલ જરૂર થાય કે શું આવા નેતાઓ જીત્યા પછી એમની પાસે જાદુઈ છડી આવી જતી હશે? કે પછી લોખંડ ને સોનું બનાવતો પારસમણિ પથ્થર આવી જતો હશે કે કરોડોની સંપત્તિ માં રમતા થઈ જાય છે?
આમ જીત્યા પછી પોતાના ખરડાયેલા ભુતકાળને ભૂલી જઈને સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળો, અને એમની દલાલી, ચમચાગીરી, અને લાઈઝીંગ (વહીવટ) કરનારાઓથી ઘેરાયેલા રહેતા હોવાથી એમના આશિર્વાદથી ઉપરના તમામ લોકો પણ માલા-માલ બની જતા હોય છે. અને આમાંથી કેટલાક ધારાસભ્ય કે MP બન્યા પછી કે મંત્રી બન્યા પછી પોતાના સંતાનો ને વિદેશમાં ભણવા મોકલે છે. જે ખરેખર તો જનતાના પરસેવાના પૈસાથી આવા ધારાસભ્યો કે સાંસદ સભ્યો લીલા લહેર કરતા હોય છે. આમ સામાન્ય માનવી અને સામાન્ય જીવન જીવનારો કોઈ પણ વ્યક્તિ જ્યારે એકાએક ઉંચા પદ ઉપર બેસી જતા એ મિલ્કતો વસાવવામાં પાછી પાની કરતો નથી. રાજા, રજવાડા જેવા મહેલો જેવા બંગલા ઓ ઉભા કરીને વૈભવના ઠાઠ માઠ નો દેખાવ એવો ઉભો કરે કે જાણે એમના બાપ-દાદા કરોડપતિ હોય અને પોતાની ઔકાત ભૂલી જતા હોય છે કે જીત્યા પહેલા કેવા હાલ હતા અને જીત્યા પછી એકાએક આટલી
પૂંજી કેવી રીતે આવી? અને અચાનક બેંક બેલેન્સમાં વધારો કેવી રીતે થયો એનો જવાબ આવા લોકો પાસે હોતો નથી.આવી જ રીતે જ મોટા નેતાઓએ લોનાવાલા, ગોવા કે મહાબળેશ્વર પર્યટક સ્થળો ઉપર મોટા મોટા બંગલાઓ અને ફાર્મ હાઉસો ખરીદી રાખીને કરોડોની સંપત્તિ ના માલિકો બની ગયા છે.
છેલ્લે વાત કરીએ આવા નેતાઓ ના જીવન ચરિત્રની આવા નેતાઓ પોતાની એક કાયદેસર ની પત્નિ હોવા છતાં અન્ય એક થી વધુ મહિલાઓ સાથે આડા સંબંધો રાખતા હોય છે. જેમાં એમનું ચારિત્ર ખુલ્લુ પડી જતું હોવા છતાં એમને કોઈ ફર્ક પડતો હોતો નથી. અને આવા અનૈતિક સંબંધોને કારણે પેદા થતા નાઝાઈજ સંતાનો પાછળથી મિલ્કતમાં દાવેદારી કરતા હોવાથી નેતાઓ અને આવા સંતાનોના DNA ટેસ્ટ પણ ભૂતકાળમાં કરાયા હોવાના દાખલા મૌજુદ છે.
આવા કરોડોની સંપત્તિ ના માલિક બનેલા નેતાઓ જ્યારે પતનના આરે પહોંચે છે એટલે કે એમને ટીકીટ ના મળે, કોઈ હોદ્દો ના મળે કે પછી શરીર સાથ ના આપે, અને આંધળી કમાણી બંધ થવા લાગે ત્યારે એમના ખરડાયેલા ભૂતકાળને કારણે સગા સંતાનોની સાથે સાથે અન્ય મહિલાઓના અનૈતિક સંબંધોથી પેદા થયેલા સંતાનો વચ્ચે શરૂ થાય છે કોર્ટ કચેરીનો સંગ્રામ અને એ DNA ટેસ્ટ થી લઈ ને કાયદેસર ના સંતાનો હોવા સુધી પહોંચેલો આ સંગ્રામ જોવા આવા નેતાઓ જીવતા રહેતા નથી હોવાથી એમ કહેવાય કે ગઈ કાલે જે પડોશીઓને ઓળખતો ન હતો એવા માલેતુજાર નેતાને મૃત્યુ પછી લોકો ઓળખતા હોતા નથી.




