
શારદીય નવરાત્રિના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના માતૃત્વ,કરૂણા,શક્તિ અને મોક્ષના માર્ગનું દિવ્ય સ્વરૂપ
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी
સિંહાસન પર બિરાજમાન,બંને હાથમાં કમળ ધારણ કરનાર યશસ્વિની દેવી સ્કંદમાતા સદાય આપણું કલ્યાણ કરે.નવરાત્રિ એ માત્ર ધાર્મિક ઉત્સવ કે કર્મકાંડનો સમય નથી પરંતુ આત્મશુદ્ધિ, શક્તિની ઉપાસના અને જીવનમાં સદ્ગુણો કેળવવાનો પવિત્ર અવસર છે.નવરાત્રિના નવ દિવસોમાં આદ્યશક્તિ દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આ પરંપરામાં પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે. વ્યવહારિક જીવનમાં સંતાનને જન્મ આપ્યા પછી સ્ત્રી માતૃત્વના પવિત્ર સ્વરૂપને ધારણ કરે છે. માતા પોતાના સંતાનને પ્રેમથી ઉછેરે છે,તેનું રક્ષણ કરે છે,તેને સંસ્કાર આપે છે અને તેના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પોતાનું સુખ પણ ત્યાગી દે છે,આ નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગમાં આપણને જગદંબાની માતૃશક્તિનાં દર્શન થાય છે.માતાનું સ્વરૂપ પ્રેમ, કરૂણા, વાત્સલ્ય, રક્ષણ અને શક્તિનો અદભૂત સમન્વય છે.માતા પોતાના સંતાનને માત્ર જન્મ જ આપતી નથી પરંતુ તેનું પાલનપોષણ કરીને તેને સંસ્કાર-હિંમત અને જીવન જીવવાની દિશા પણ આપે છે.આ જ માતૃત્વની ભાવના સ્કંદમાતાની ઉપાસનામાં પ્રગટ થાય
છે.
માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાય છે.ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે દેવીને આ નામ પ્રાપ્ત થયું છે.ભગવાન કાર્તિકેયને કુમાર-સ્કંદ અને શક્તિધર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.તેઓ દેવસેનાના સેનાપતિ તરીકે પ્રસિદ્ધ છે.જગદંબાને સમગ્ર સૃષ્ટિની આદિશક્તિ, જગતની જનની અને સર્વ દેવતાઓની શક્તિના મૂળ સ્વરૂપ તરીકે વંદન કરવામાં આવ્યાં છે. તેમાં દેવીને ભગવાન સ્કંદની માતા તરીકે પણ સંબોધવામાં આવ્યાં છે.આ ભાવના માતા સ્કંદમાતાના સ્વરૂપને વિશેષ આધ્યાત્મિક મહત્વ આપે છે. માતા સ્કંદમાતાને ચાર ભુજાઓવાળાં સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, તેમનાં બે હાથમાં કમળનાં
પુષ્પો હોય છે,એક હાથમાં બાળસ્વરૂપ ભગવાન સ્કંદને ધારણ કરેલાં હોય છે અને બીજો હાથ આશીર્વાદની મુદ્રામાં હોય છે, તેમનું વાહન સિંહ છે.તેમના ખોળામાં બિરાજમાન બાળસ્કંદ માતૃત્વની નિર્મળતા અને વાત્સલ્યનું પ્રતીક છે.જ્યારે સિંહ તેમની શક્તિ-સાહસ અને નિર્ભયતાનું પ્રતીક છે.આમ માતાના આ સ્વરૂપમાં કોમળતા અને પરાક્રમ-પ્રેમ અને સામર્થ્ય તથા મમતા અને રક્ષણનો સુંદર સમન્વય જોવા મળે છે.
કમળ કાદવમાં ઊગવા છતાં પોતાની પવિત્રતા જાળવી રાખે છે એ જ રીતે મનુષ્યે પણ સંસારની વિવિધ પરિસ્થિતિઓમાં રહેવા છતાં પોતાના મનને નિર્મળ, વિચારને પવિત્ર અને આચરણને સાત્વિક રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.વ્યવહારિક દૃષ્ટિએ દરેક માતામાં સ્કંદમાતાના વાત્સલ્યની ઝલક જોવા મળે છે.માતા પોતાનાં સંતાનનાં સુખ માટે અનેક ત્યાગ કરે છે.સંતાનની મુશ્કેલીમાં તેને હિંમત આપે છે અને તેની ભૂલોમાંથી તેને શીખવા પ્રેરિત કરે છે.સાચું માતૃત્વ માત્ર મમતા પૂરતું મર્યાદિત નથી,તેમાં યોગ્ય માર્ગદર્શન-સંસ્કાર અને જવાબદારી પણ સમાયેલાં છે પરંતુ સ્કંદમાતાના સ્વરૂપનો સંદેશ માત્ર માતા અને સંતાનના સંબંધ પૂરતો સીમિત નથી, તે આપણને સમગ્ર માનવજાત પ્રત્યે પ્રેમ-દયા અને કરૂણાભાવ રાખવાની પ્રેરણા આપે છે.જે હૃદયમાં બીજાના દુઃખ પ્રત્યે સંવેદના છે,જે વ્યક્તિ નિઃસ્વાર્થભાવે બીજાનું હિત ઇચ્છે છે અને જે શક્તિનો ઉપયોગ રક્ષણ તથા કલ્યાણ માટે કરે છે તે વ્યક્તિ માતૃત્વના આ દિવ્ય ગુણોને પોતાના જીવનમાં ઉતારી રહી છે. દેવીભાગવત પુરાણમાં દેવીને સમગ્ર જગતની મૂળ પ્રકૃતિ અને ચૈતન્યશક્તિ તરીકે મહિમાવંત
કરવામાં આવ્યાં છે.જગતની ઉત્પત્તિ-સ્થિતિ અને લયની પાછળ રહેલી પરમ શક્તિ પ્રત્યે શ્રદ્ધા રાખીને સાધકે પોતાના જીવનમાં પણ દિવ્ય ગુણોનો વિકાસ કરવો જોઈએ.દેવીની સાચી ઉપાસના માત્ર પુષ્પ, ધૂપ,દીપ અને નૈવેદ્ય અર્પણ કરવામાં જ સમાઈ જતી નથી,તેની સાથે મનની પવિત્રતા,વાણીની મધુરતા, વર્તનમાં વિનમ્રતા અને કર્મમાં નિઃસ્વાર્થતા પણ આવશ્યક છે.
જો આપણે માતા સ્કંદમાતાની આરાધના કરીએ પરંતુ આપણા વ્યવહારમાં ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ અને અહંકાર હોય તો ઉપાસનાનો આંતરિક હેતુ અધૂરો રહી જાય છે.સાચી ભક્તિ એ છે કે દેવીના ગુણોને આપણા જીવનમાં ઉતારવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ.
નવદુર્ગાની ઉપાસનાની કેટલીક યોગપરંપરાઓમાં પાંચમા નોરતે માતા સ્કંદમાતાની સાધનાને વિશુદ્ધ ચક્ર સાથે સાંકળવામાં આવે છે.વિશુદ્ધ ચક્રને ગળાના પ્રદેશ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ પરંપરાગત યોગવિચારના આધારે વાણીની શુદ્ધિ, સત્યભાષણ, સદ્વિચાર અને આત્મસંયમનું મહત્વ સમજાવી શકાય છે. મનુષ્યની વાણીમાં અપાર શક્તિ રહેલી છે.મધુર વાણી તૂટેલા સંબંધોને જોડે છે જ્યારે કઠોર વાણી હૃદયમાં ઘા કરી શકે છે તેથી માતા સ્કંદમાતાની ઉપાસના આપણને એવું ચિંતન કરવાની પ્રેરણા આપે છે
કે આપણી વાણીથી કોઈને દુઃખ ન પહોંચે, આપણા શબ્દોમાં સત્ય અને કરૂણા હોય તથા આપણું મૌન પણ ક્યારેક કોઈના મનને શાંતિ આપનારૂં બને.સાધનાનો સાચો હેતુ મનને એકાગ્ર કરવો, ચિત્તને નિર્મળ બનાવવું અને જીવનને ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય તરફ વાળવું છે. આ માર્ગે આગળ વધવા માટે શ્રદ્ધા સાથે વિવેક-ભક્તિ સાથે સદાચાર અને ઉપાસના સાથે આત્મચિંતન પણ જરૂરી છે.સ્કંદમાતાની ભક્તિથી ભક્તને સુખ,શાંતિ,શુભતા અને આધ્યાત્મિક પ્રગતિની પ્રેરણા મળે છે.ભક્ત માતાના ચરણોમાં પોતાની મુશ્કેલીઓ અર્પણ કરીને મનોબળ અને આશ્વાસન પ્રાપ્ત કરે છે.
માતાના ખોળામાં રહેલા બાળસ્કંદનું સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે પરમ શક્તિ પ્રત્યે સમર્પણ રાખનાર ભક્તે નિર્ભયતા, વિશ્વાસ અને સદ્માર્ગ પ્રત્યેની નિષ્ઠા કેળવવી જોઈએ. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ થવાને બદલે ધૈર્ય રાખવું અને સત્યના માર્ગે આગળ વધવું એ પણ ઉપાસનાની એક મહત્વપૂર્ણ શીખ છે.મોક્ષનો માર્ગ માત્ર બાહ્ય ઉપાસનાથી નહીં પરંતુ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ,આસક્તિમાંથી વિવેક તરફ અને અહંકારમાંથી સમર્પણ તરફ આગળ વધવાથી સુલભ બને છે.દેવીની કૃપા માટે પ્રાર્થના કરવાની સાથે પોતાના આચરણને પણ શુદ્ધ બનાવવું જોઈએ. શારદીય નવરાત્રિના પાંચમા નોરતે માતા સ્કંદમાતાની ઉપાસના આપણને માતૃત્વની પવિત્રતા, કરૂણાની મહત્તા,શક્તિના સદુપયોગ અને મનની શુદ્ધિનો સંદેશ આપે છે.આપણે માતા સ્કંદમાતાની આરાધના કરતાં સંકલ્પ કરીએ કે આપણા હૃદયમાં પ્રેમ, વાણીમાં મધુરતા, વિચારોમાં પવિત્રતા અને કર્મોમાં નિઃસ્વાર્થ ભાવ જળવાઈ રહે,કોઈ નિર્બળનું રક્ષણ કરવું, દુઃખી વ્યક્તિને સાંત્વના આપવી, સંતાનોને સારા સંસ્કાર આપવા અને દરેક જીવ પ્રત્યે કરૂણાભાવ રાખવો એ પણ દેવીની ઉપાસનાને જીવનમાં ઉતારવાનો માર્ગ છે. નવરાત્રિના આ પાવન અવસરે માતા સ્કંદમાતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌનાં જીવનમાં સુખ,શાંતિ,સદ્બુદ્ધિ,નિર્ભયતા અને આધ્યાત્મિક જાગૃતિનો પ્રકાશ પ્રગટે, આપણું મન નિર્મળ બને, આપણાં કર્મો લોકકલ્યાણકારી બને અને આપણું જીવન ભક્તિ-સેવા તથા સમર્પણથી સુગંધિત બને..
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




