
આપણામાં કહેવત છે કે જેને નાચવું નહી એનું આંગણું વાંકુ અર્થાત જેને કામ જ નથી કરવું એ જાત-જાતના બહાના કાઢીને કામને ટલ્લે ચડાવે છે. ત્યારે અહીં જે તસવીર છે એ તસવીરમાં એક બાળક ખંત પૂર્વક અને ધ્યાનથી સ્કૂલનું હોમવર્ક કરીને પોતાના ભણતર પ્રત્યેની સાચી લગન લગાવી કંઇક બનવાની હોંશ સાથે કાર્ય કરી રહ્યો છે.
આ તસવીર છે રાંદેર રોડ વૃષભ ટાવર સામેના મહાવીર પેટ્રોલ પંપની જ્યાં આ વિદ્યાર્થીના પિતા આ પેટ્રોલ પંપ પર નોકરી કરતા હોવાથી રવિવાર અને રજાના દિવસોએ આવીને પિતાની પાસે આ રીતે હોમવર્ક કરતો હોય છે. એક બાજુ અન્ય વિદ્યાર્થીઓ રજાના મૂડમાં, ક્રિકેટ કે મોબાઇલમાં વ્યસ્ત થઈ સમય પસાર કરતા હોય છે ત્યારે આ તસવીરમાં દેખાતો બાળક એના માતા-પિતાની ઉમીદો અને સ્વપ્નાઓને સાકર કરવા મહેનત કરી રહ્યો છે. સાથે સાથે એના પિતાની મહેનત નજર સમક્ષ હોવાથી આ બાળકને પણ થતું હશે કે હું ક્યારે કમાઉ અને મા-બાપને મદદરૂપ બનું? ધન્ય છે આવા બાળકોને અને એવા બાળકોના માતા-પિતાને કે જેઓ પોતાના બાળકોના ભણતર માટે કેટલી કઠીનાઈઓ વેઠે છે? બસ આવા બાળકો મોટા થઈને માતા-પિતા સાથે સમાજનું ગૌરવ વધારે એજ અભ્યર્થના સાથે બેસ્ટ ઓફ લક.
(તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)



