
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશનાં ભવિષ્યને આકાર આપવાનું આ મહાન કાર્ય શિક્ષકોના હાથમાં છે. પરંતુ જ્યારે આજ શિક્ષક સમાજમાં ઉપેક્ષિત, આર્થિક અને વહીવટી બોજ હેઠળ દબાયેલો અને દિશાહીન બની જાય ત્યારે માત્ર શિક્ષણ વ્યવસ્થા જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું ભાવિ ધૂંધળું બની ખાડે જતું હોય છે.
આજે શિક્ષક ભણાવવા સિવાયનું લગભગ તમામ કામ કરવા મજબૂર બન્યો છે. આ માનસિક તાણ, અસંતોષ અને અતિશય અસંબંધિત કામના બોજ વચ્ચે શિક્ષક પાસેથી શિક્ષણ માં સર્જનાત્મકતા, ગુણવત્તા કે નવીનતાની અપેક્ષા રાખવી એ તેની કાર્યક્ષમતા અને આત્મસન્માન સાથેનો ઘોર અન્યાય છે.
આપણે મોટા મોટા મંચો ઉપર આ નવી શિક્ષણ નીતિની ભવ્યતાના ગુણગાન ગાઈએ છીએ, તેમાં ક્રાંતિકારી ફેરફારો, સર્વાંગી વિકાસ અને વિશ્લેષણાત્મક સોચ વિકસાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ મૂળભૂત પ્રશ્ન એ થાય છે કે જ્યારે વર્ગખંડમાં ભણાવવા માટે કાયમી અને સક્ષમ શિક્ષક જ નહીં હોય ત્યારે આ આદર્શ નીતિઓનો અમલ કાગળ પરથી વાસ્તવિકતાની જમીન પર કોણ ઉતારશે? ભવ્ય ઇમારતો બનાવવાથી કે માત્ર ડિજિટલ સ્માર્ટ બોર્ડ મૂકી દેવાથી શિક્ષણનું સ્તર ક્યારેય નથી સુધરશે. શિક્ષણનો વાસ્તવિક સુધારો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જીવંત અને સંવેદનશીલ સંવાદ પર આધારિત હોય છે.
સરકારો આંકડાકીય માયાજાળ અને યોજનાઓના નામ બદલીને પોતાની પ્રાથમિક જવાબદારીમાંથી છટકી શકે નહીં. વિધાનસભા અને સંસદના પટલ પર ખાલી જગ્યાઓના આંકડા વર્ષોથી રજૂ થાય છે, પરંતુ કાયમી અને યોગ્ય પગારવાળી શૈક્ષણિક ભરતી કરવાના બદલે દેશભરમાં “કોન્ટ્રાક્ટ પ્રથા”, “કરાર આધારિત” કે “તાસદીઠ” (પીરીયડદીઠ) વેતનથી શિક્ષકોની ભરતી કરવાની શોષણખોર પ્રથા શરૂ કરવામાં આવી છે. અલ્પ માનદ્ વેતન અને નોકરીની અસુરક્ષા વચ્ચે કામ કરતા આ શિક્ષકો પાસેથી સમર્પણની અપેક્ષા રાખવી એ હાસ્યાસ્પદ છે.




