
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
દેશમાં બેરોજગારી અને ગરીબીને કારણે કૃત્રિમ ગર્ભધાન માટે ગર્ભાશય ભાડે આપતી મહિલાના કિસ્સા ક્યારેક વાંચવા અને જાણવા મળે છે. પરંતુ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં ગરીબીને કારણે લગભગ ૧૦૭ ખેતમજૂરી કરતી મહિલાઓએ ગર્ભાશય કઢાવી નાખ્યા છે.
કારણ જાણી ચોંકી જશો.શેરડી કાપવાની મજૂરી કરતી આ ગરીબ મહિલાઓને દર મહિને માસિક શરૂ થાય એટલે પેટમાં દુ:ખાવો ઉપડે એટલે કામે જઈ ના શકે. આમ ચાર-પાંચ દિવસ કામે ન જાય તો એટલા દિવસની મજૂરી ગુમાવવાનું પોષાય નહીં. એટલે માસિક આવે જ નહીં એટલા માટે ૧૦૭ મહિલાઓએ ગર્ભાશય કઢાવી નાખ્યાની અત્યંત ધુજારીપૂર્ણ ઘટનાનો શેરડીની કાપણી કરતા મજૂરો વચ્ચે કામ કરતી સંસ્થાએ પર્દાફાશ કર્યો હતો. જ્યારે શેરડીની કાપણીની સીઝન શરૂ થાય એ પહેલાં ખેતમજૂર દંપતીએ મુકાદમ પાસેથી એડવાન્સમાં ઉધાર પૈસા લીધા હોય છે. જેવી કાપણી શરૂ થાય એટલે રોજેરોજ જે મજૂરી મળે એમાંથી કર્જ ચૂકવતા જાય. આ
વાસ્તવિકતા વચ્ચે મહિલા માસિક ચક્ર વખતે બે-ચાર દિવસ મજૂરીએ જઈ ન શકે તો પૈસા ગુમાવવા પોષાય નહીં. એટલે ગર્ભાશય જ કઢાવી નાખે છે.
આ હકીકતનો પર્દાફાશ થતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર અપીલ કરવી પડી છે કે કોઈ મહિલા ગર્ભાશય કઢાવે નહીં. ખેત મજૂરણો જે શેરડી કાપે છે તે શેરડીના રસની મીઠાશ પાછળ કેવી કડવાશ રહેલી છે? એનો શેરડીનો રસ પીનારને ક્યાંથી અંદાઝ હોય? આ છે આપણા દેશની કરુણ વાસ્તવિકતાનો અરીસો. આ એજ મહારાષ્ટ્ર છે જ્યાં મુંબઈની ચકા ચોંધ જિંદગીમાં ફિલ્મી હિરોઇનો કરોડોમાં રમે છે અને કપડાં બદલે એમ જીવનસાથીને (ડાયવોર્સ લઈને) બદલતા વાર નથી લાગતી. જ્યારે મહારાષ્ટ્રના જાલના જિલ્લાની ખેત મજૂરણો ગરીબીને કારણે ગર્ભાશય કઢાવીને પોતાની રોજી રોટી ચાલુ રાખે છે. હાય રે ગરીબી?




