
ક્લાસિકલ ડાન્સર કમ્યુનિટીએ આ ડાન્સની આકરી ટીકા કરી અનન્યા પાંડેને ચાંદ મેરા દિલમાં ભરતનાટ્યમ ફ્યુઝન માટે ટ્રોલ કરાઈ “જાે તમે તે નૃત્યમાં તાલીમ લીધી નથી, તો તેને કરવાનો પ્રયાસ જ ન કરો!” : ભરતનાટ્યમ ગુરુ રમા વૈદ્યનાથન
અનન્યા પાંડે અને લક્ષ્યની નવી ફિલ્મ ચાંદ મેરા દિલ સોમવાર સવારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહી, ફિલ્મના બે મહત્વના સિક્વન્સમાં અનન્યા દ્વારા કરવામાં આવેલા ફ્યુઝન ભરતનાટ્યમના ક્લિપ્સ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ, જેમાં અનેક લોકોએ આરોપ મૂક્યો કે આ કોરિયોગ્રાફીએ શાસ્ત્રીય નૃત્ય પરંપરાનું અપમાન કર્યું છે.ચાંદ મેરા દિલમાં અનન્યા પાંડે ચાંદનીનું પાત્ર ભજવે છે, જે ભરતનાટ્યમ નૃત્યાંગના તરીકે દેખાડવામાં આવેલી ચારુ શંકરની દીકરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દૃશ્યમાં તેનું પાત્ર પરંપરાગત ભરતનાટ્યમ પ્રસ્તુતિના બદલે ફ્યુઝન પરફોર્મન્સ પસંદ કરે છે, જેમાં ભરતનાટ્યમનું હિપ-હોપ અને લોકિંગ સાથે ફ્યુઝન કરવામાં આવ્યું છે. આવા પ્રકારના ફ્યુઝન પરફોર્મર્સ પહેલેથી જ અસ્તિત્વમાં હોવા છતાં, એક્સ પર ઘણા લોકોનું માનવું છે કે આ દૃશ્ય જે રીતે રજૂ કરાયું છે તે યોગ્ય અસર પેદા કરવામાં નિષ્ફળ રહ્યું છે.પદ્મવિભુષણ નૃત્યાંગના સોનલમાનસિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “અનન્યાનું આ કહેવાતું ભરતનાટ્યમ દર્શાવતી તાજેતરની ફિલ્મ ક્લિપ ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને સંગીતકારો માટે સમયસરની ચેતવણી છે: અમારી પરંપરાનું માન રાખો. જે વસ્તુ તમે શીખ્યા નથી કે સમજતાં નથી તેમાં હાથ ન અજમાવો. મેં હોલિવૂડ ફિલ્મોમાં જાેયું છે કે બેલે માટે પ્રતિભાશાળી અને તાલીમપ્રાપ્ત નૃત્યાંગનાઓનો ઉપયોગ થાય છે; તેઓ એક્ટર્સને ફક્ત કૂદાકૂદી કરવા નથી કહેતાં. બોલિવૂડમાં આ અણગમતી બેદરકારી સામે મને વાંધો છે. એક ભરતનાટ્યમ નૃત્યાંગના તરીકે હું દુ:ખી છું. નટરાજ શિવ કદાચ કૈલાસ પર રડી રહ્યા હશે. થોડો તો આદર રાખો.”ભરતનાટ્યમ ગુરુ રમા વૈદ્યનાથને એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “જાે તમે તે નૃત્યમાં તાલીમ લીધી નથી, તો તેને કરવાનો પ્રયાસ જ ન કરો! જાે તમારે ફિલ્મમાં ભરતનાટ્યમ બતાવવું હોય, તો એવી અભિનેત્રી લો જેને યોગ્ય તાલીમ હોય; આપણી પાસે આવાં અનેક કલાકારો છે. ફ્યુઝન સામે મને કોઈ વાંધો નથી, કારણ કે અંતે તમે તમારા નૃત્ય સ્વરૂપને સકારાત્મક રીતે રજૂ કરી રહ્યાં છો. પરંતુ જ્યારે તમે તાલીમપ્રાપ્ત નૃત્યાંગના નથી, ત્યારે તમે આ નૃત્યને યોગ્ય રીતે રજૂ કરતાં નથી.”



