Gujarat News: સામાજીક-શૈક્ષણિક ક્ષેત્રે પછાત વર્ગના બોગસ પ્રમાણપત્ર આધારે 156 જણાં શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં અનામત કવોટામાં પ્રવેશ મેળવી લીધો જયારે અન્યએ સરકારી નોકરી મેળવી લીધી હતી. મહત્વની વાત એ છેકે, તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ હતું કેમકે, પ્રમાણપત્રની ચકાસણી જ કર્યા વિના જ એડમીશન અને સરકારી નોકરી આપી દેવામાં આવી હતી. હવે સરકારે રહી રહીને બોગસ પ્રમાણપત્ર આધારે એડમિશન લેનારા અને સરકારી નોકરી મેળવનારાં સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.
વિદ્યાર્થી-ઉમેદવારોને પ્રમાણપત્ર આધારે સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવે છે
સામાજીક-શૈક્ષણિક ક્ષેત્રે પછાત વર્ગના વિદ્યાર્થી-ઉમેદવારોને પ્રમાણપત્ર આધારે સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવે છે. આ જોતાં સરકારી લાભો મેળવવા લોકો અનેક અખતરાં અજમાવે છે.
અનામત કવોટામાં શાળા- કોલેજ, યુનિવર્સિટીમાં એડમિશન અને સરકારી નોકરી મેળવવા લોકો હવે બોગસ પ્રમાણપત્રનો ય સહારો લેવા માંડ્યાં છે. છેલ્લા ત્રણેક વર્ષમાં સામાજીક- શૈક્ષણિક ક્ષેત્રે પછાત વર્ગના કુલ 156 બોગસ પ્રમાણપત્ર મળી આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ બોગસ પ્રમાણપત્ર મળી આવ્યા
છેલ્લાં ત્રણેક વર્ષમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ 34 બોગસ પ્રમાણપત્ર મળી આવ્યા છે. કચ્છમાંથી 10, ખેડામાં 10, બનાસકાંઠામાં 12, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 6, પાટણમાં 6, વડોદરામાં 7 બોગસ પ્રમાણપત્ર હોવાનુ માલુમ પડ્યુ હતું. રાજ્યકક્ષાની વિષ્લેષ્ણ સમિતી સમક્ષ આ ફરિયાદો આવતાં આ બધાય પ્રમાણપત્રોને ચકાસતા બોગસ પ્રમાણપત્ર હોવાનુ ઠર્યુ હતું. આમ, 156 બોગસ પ્રમાણ પત્ર રદ કરાયા હતા અને જે તે વિભાગોને જાણ કરવામાં આવી હતી. આખરે સામાજીક ન્યાય અધિકારીતા વિભાગે આ બધાય પ્રમાણપત્ર રદ કરીને એડમિશન જ નહીં, સરકારી નોકરી પર રદ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.