
(નીડર,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગરવી ગુજરાત માં અમે વારંવાર સુરત મહાનગર પાલિકામાં ચાલતા કૌભાંડો જેવા કે સફાઈ કામદાર કૌભાંડ, ભરતી કૌભાંડ, કચરા કૌભાંડ, તુટેલા રોડ રસ્તા કૌભાંડ, ઉભરાતી ગટર કૌભાંડ અને ગેરકાયદે બાંધકામો સહિત અશાંતધારાના નામે ચાલતા સેટિંગ કૌભાંડોને ખુલ્લા કરતાં આવ્યા છીએ.
ત્યારે આજે એક વધુ તોડકાંડ કૌભાંડ ભાજપના જ ગ્રુપ માં ચર્ચાના ચકડોળે ચઢતા અમારા અખબારી સમાચારો ને જાણે કે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે પણ સમર્થન મળી રહ્યું છે. એવી સુરત મ.ન.પા માં છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંત થી સત્તાના સિંહાસને બેઠેલી ભાજપ હવે ચારે બાજુથી જાણે કે રૂપિયા ઉઘરાવવા માં જ પડી હોય એમ ભાજપની પાર્ટીના જ કેટલાક કોર્પોરેટરોના નામ રૂપિયા ૧૯ લાખ જેવી મસમોટી રકમની ભાગબટાઈમાં ઉછળતા હવે છુપાયેલો આખો તોડ કાંડનો મામલો જાહેરમાં ચર્ચાના ચકડોળે ચઢતા ભાજપ ક્ષોભજનક દશામાં મુકાઈ જતા સૌ કોઈ મૌની બાબા બની ગયા છે.
આમ વિપક્ષોને આડે લેવામાં પાછી પાની નહીં કરતા ભાજપ નેતાઓ જ્યારે ચૂંટણીના સમયે માઈક ઉપર ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના જે બૂમ બરાડા પાડીને લોકોને (મતદારોને) ઉલ્લુ બનાવતા આવ્યા છે. એ જ પાર્ટીના નેતાઓની સીટ ભીની થતાં ભ્રષ્ટાચારનો "ભ" બોલવા ભાજપ નેતાઓ તૈયાર નથી. એક બાજુ ભાજપ નેતાઓ કોન્ટ્રાક્ટરો પાસેથી પાર્ટી ફંડ નહીં લેવાની કાર્યકરો અને હોદ્દેદારોને સૂચના આપી હોવાની વાતો ચર્ચાય છે. ત્યારે બીજી બાજુ ભાજપના જ વોટ્સએપ ગ્રુપમાં ગેરકાયદે બાંધકામના મામલે રૂપિયા ૧૯ લાખના તોડકાંડના આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે ત્યારે ભાજપની આંતરિક યાદવા સ્થળી કેટલી હશે ? એ જ સવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ બાબતમાં એક દુકાનદારે ખુલાસો કર્યો કે અમારી સોસાયટીમાં જે દુકાનો છે તે દુકાનો અંગે ૧૯ લાખ રૂપિયા ના તોડકાંડ ની વાત બહાર આવતા મ.ન.પા ના અધિકારીઓએ રૂબરૂ આવી અમારી સોસાયટીમાં આવેલી દુકાનોને સીલ મારી/બંધ કરાવી છે. ખાનગી સોસાયટીમાં રહીશો ધંધો ન કરી શકે એવી કાયદામાં જોગવાઈ હોય તો સત્તાવાળાઓએ જાહેર કરવી જોઈએ. બાકી સુરત શહેરમાં ઉધના દરવાજા પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનો , પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં, છાપરાભાઠા હાઉસિંગ બોર્ડ ના મકાનો, રાંદેર હાઉસિંગ બોર્ડના મકાનોમાં દુકાનો જ દેખાય છે અને આજે પણ આ દુકાનોમાં ધંધા-વેપાર ચાલે છે ત્યારે શ્રમ વિસ્તારમાં આ નવો કાયદો ક્યાંથી આવ્યો? જો ખરેખર ૧૯ લાખ રૂપિયાની વાત સાચી ના હોય તો તેઓની સામે ફોજદારી પગલાં લેવા કોણ રોકે છે?
અહી સવાલ એ ઊભો થાય છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના બણગાં ફૂંકતી ભાજપ શું આ ૧૯ લાખ રૂપિયા અંગે ગંભીરતા અને ઊંડાણ પૂર્વક તપાસ કરી આ પ્રસાદી કયા ધારાસભ્ય અને વોર્ડ નં.૨૭ ના કોર્પોરેટરોમાં વહેંચાઈ છે એનું સત્ય બહાર લાવશે?




