
ત્રણ ગણું વળતર આપવાની લાલચે કરી કરોડોની ઠગાઈ.24X7 Club નામે MLM ઠગાઈનો પર્દાફાશ થયો.લોભામણી લાલચ આપીને સામાન્ય નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે રોકાણ સ્વીકારવામાં આવતું હોવાનો મોટો ખુલાસો થયો છે.સુરત શહેરમાં વધતી જતી ઓનલાઈન અને MLM આધારિત નાણાકીય ઠગાઈ સામે સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ એક મહત્વની કાર્યવાહી કરી છે. 24X7 Club નામની કંપનીમાં રોકાણ કરવાથી મહિને ૧૦ ટકા રીટર્ન તથા રોકાણની રકમ ત્રણગણી કરી આપવાની લોભામણી લાલચ આપીને સામાન્ય નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે રોકાણ સ્વીકારવામાં આવતું હોવાનો મોટો ખુલાસો થયો છે.
ખાનગી બાતમીના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલને માહિતી મળી હતી કે KBC બિલ્ડીંગ, કિરણ ચોક અને ઓપેરા બિઝનેસ હબ, મોટા વરાછા ખાતે 24X7 Club નામની કંપનીના નામે અનેક ઇસમો RBI કે SEBI ની મંજૂરી વિના ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવી રહ્યા હતા. આ બાતમીના આધારે સાયબર ક્રાઇમ સેલે બંને સ્થળોએ રેડ કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ દ્વારા લોકોને સોશિયલ મીડિયા તથા મોઢે-મોઢે સંપર્ક કરીને, રોકાણની રકમ ત્રણ ગણી કરી આપવાની ખાતરી આપીને લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. જ્યારે આ પ્રકારની રોકાણ પ્રવૃત્તિ માટે તેમની પાસે RBI કે SEBI નું કોઈપણ પ્રકારનું લાયસન્સ ન હતું.
ઝડપાયેલા આરોપીઓમાં (૧) દિપકભાઈ ભુપતભાઈ ડોબરીયા (ઉંમર ૪૦) અને (૨) શૈલેષ નટુભાઈ ધામેલિયા (ઉંમર ૩૭)નો સમાવેશ થાય છે. દિપક ડોબરીયા મુખ્ય આરોપીઓ સાથે મળી લોકોને 24X7 Club માં રોકાણ માટે લલચાવતો હતો અને 24X7club.com વેબસાઈટ પર ૩૦૦૦થી વધુ અને શૈલેષ ધામેલિયા ૧૫૦૦થી વધુ IDબનાવી રોકાણકારોથી મેળવેલી રકમ મુખ્ય આરોપીઓને મોકલતો હતો. શૈલેષ ધામેલિયા દિપક ડોબરીયાના નેટવર્ક હેઠળ કાર્યરત હતો.
પોલીસે આરોપીઓ પાસેથી ૧,૪૭,૦૦૦/-ના મુદ્દામાલ સહિત, ૩ મોબાઈલ ફોન, ૧ લેપટોપ, ૧૦ અલગ અલગ ડાયરી અને દસ્તાવેજી કાગળો કબજે કર્યા છે.
આ સાથે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે: ઉંચા અને ખાતરીવાળા રીટર્નની લાલચમાં આવી કોઈપણ સ્કીમમાં રોકાણ ન કરવું, કંપની વિષે સંપૂર્ણ રિસર્ચ કર્યા બાદ જ રોકાણ કરવું અને સોશિયલ મીડિયા અથવા મોઢે-મોઢે મળતી રોકાણની લાલચથી સાવચેત રહેવું.




