
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનો અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ અને તેમના સગા- સંબંધીઓના ઘરે અંગત કામ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આ ગેરકાયદેસર પ્રથા સામે મોરચો માંડવામાં આવ્યો છે. કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે, પાલિકાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાના અંગત નિવાસસ્થાને સફાઈ, રસોઈ અને ઘરવખરીના કામો માટે પાલિકાના સફાઈ કામદારોને ફરજ પર મૂકે છે. આ પ્રકારની પ્રવૃત્તિને કારણે પાલિકાની મુખ્ય ફરજોમાં સફાઈ કામદારોની અછત વર્તાય છે અને બાકીના કર્મચારીઓ પર કામનું
અતિશય ભારણ વધી રહ્યું છે.
મહામંડળ દ્વારા કરવામાં આવેલા મુખ્ય આક્ષેપો: અધિકારીઓની ખુશામત: કેટલાક સેનેટરી ઇન્સ્પેક્ટરો (SI) ઉપર દબાણ કરીને જે તે અધિકારીઓને ખુશ રાખવા માટે સફાઈ કામદારો પાસે શાકભાજી, દૂધ અને અન્ય અંગત વસ્તુઓ પહોંચાડવાનું કામ કરાવે છે. વહીવટી દુરુપયોગ: લાખો રૂપિયાનો પગાર મેળવતા અધિકારીઓ સરકારી કર્મચારીઓને અંગત નોકર તરીકે વાપરે તે અત્યંત અનૈતિક અને સરકારી નિયમોની વિરુદ્ધ છે.
નિવૃત્ત અધિકારીઓનો લાભ: પાલિકાના નિવૃત્ત અધિકારીઓ અને તેમના પરિવારજનો પણ આ પ્રકારની ગેરકાયદેસર સેવાનો લાભ લઈ રહ્યા છે, જે જનતાના ટેક્સના પૈસાનો સીધો દુરુપયોગ છે. આ ગંભીર બાબતે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપ-પ્રમુખ કિરીટસિંહ જે. વાઘેલા, મહામંત્રી મોહમ્મદ ઇકબાલ શેખ, મંત્રી હરીશભાઇ રાઠોડ તથા સિનિયર આગેવાન વિજયભાઈ શેનમારે અને જયંતીભાઈ વાઘેલા દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. નાગરાજનજીને લેખિતમાં કડક રજૂઆત કરવામાં આવી છે.
મહામંડળે માંગ કરી છે કે, આ પ્રથાને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જે અધિકારીઓ કે એસ.આઈ. આ પ્રકારનું કૃત્ય કરાવી રહ્યા છે, તેમની સામે સઘન તપાસ કરી કડક વહીવટી પગલાં લેવામાં આવે. આગામી સમયમાં જો આ પ્રથા બંધ કરવામાં નહીં આવે તો કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



