
વડોદરા બ્લાસ્ટ ઘટના ફતેગંજની ખાનગી ઓફિસમાં પ્રચંડ બ્લાસ્ટ, એક ઈજાગ્રસ્ત બારી-બારણાના કાચ ચકનાચૂર, બહાર પાર્ક કારને નુકસાન; બ્લાસ્ટનું કારણ જાણવા પોલીસની તપાસ શરૂ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મંગળવારે સવારે આવેલી એક ખાનગી ઓફિસમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ૩૬ વર્ષીય મકસુદ હબીબ મિયા શેખ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ કમાટીપુરા વિસ્તારમાં આવેલી અમન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખાનગી ઓફિસમાં આ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે ઓફિસની બારી-બારણાના કાચ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી એક કારને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ થતાં જ જાેરદાર ધડાકો સંભળાયો હતો અને ત્યારબાદ લોકો સુરક્ષાના ભાગરૂપે બિલ્ડિંગની બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરીને તપાસ શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્ડિંગના માલિક સૈયદ રજાક હોવાનું જાણવા મળ્યું છે. જાેકે બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ સ્થળ પરથી પુરાવા એકત્ર કરી રહી છે અને વિસ્ફોટ પાછળનું કારણ શોધવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ બ્લાસ્ટના સાચા કારણ અંગે સ્પષ્ટ માહિતી આપી શકાશે.




