
ચાઈનીઝ દોરી ન વાપરવા પોલીસની અપીલ કરી.નંદેસરી પોલીસે વાહનચાલકોને ફ્રી સેફ્ટી ગાર્ડ આપ્યા.ખાખી કેર ફાઉન્ડેશનના સહયોગથી સેફ્ટી વાયરનું વિતરણ અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાની નંદેસરી પોલીસ એક્શન અને સેવા મોડમાં જાેવા મળી રહી છે. ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે નંદેસરી પોલીસ સ્ટેશન અને ‘ખાખી કેર ફાઉન્ડેશન‘ના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ખંત અને ઉત્સાહપૂર્વક વાહનચાલકોના ટુ-વ્હિલર પર વિનામૂલ્યે સેફ્ટી વાયર લગાવી આપ્યા હતા. આ સેફ્ટી વાયર ગળાના ભાગે દોરી આવતા અટકાવે છે, જે અકસ્માત નિવારવામાં અત્યંત મદદરૂપ થાય છે.
આ ઉપરાંત, નંદેસરી પોલીસ દ્વારા વિસ્તારની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને ઉત્તરાયણ દરમિયાન રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પતંગ અને દોરીનું વેચાણ કરતા વેપારીઓ સાથે પણ બેઠક યોજી અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસે ઉત્તરાયણના પર્વને સુરક્ષિત રીતે ઉજવવા માટે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરી છે.
ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ: ચાઈનીઝ કે નાયલોન દોરી અને તુક્કલનો ઉપયોગ કરવો કાયદેસર ગુનો છે. કાંચ પાાયેલી ઘાતક દોરીનો ઉપયોગ ટાળવો.
વીજળીના તારથી સાવધાન: છત પર પતંગ ચગાવતી વખતે વીજળીના તારથી દૂર રહેવું.
રસ્તા પર જાેખમ ન લેશો: જાહેર રસ્તા પર પતંગ ન ચગાવવા અને કપાયેલા પતંગ પાછળ રસ્તા પર દોડવું નહીં. બાળકો પર માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું.
હેલ્મેટ અને સેફ્ટી વાયર: ટુ-વ્હિલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું અને વાહનમાં સેફ્ટી વાયર લગાવવો.
ઈમરજન્સી મદદ: કોઈ ઘાયલ પક્ષી કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઈનનો સંપર્ક કરવો.




