
(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
દેશભરમાં હવે થોડા દિવસો બાદ માતાજીના પવિત્ર નોરતા ચાલુ થશે અને ઠેરઠેર માતાજીની સ્તુતી સાથે આરતી ગવાશે અને પછી યુવાધન ગરબા રમવા મેદાને ઘુમશે. આમ તો આ ગરબા ખરેખર પ્રાચીન (પુરાણી) રીતે જ ગવાવા જોઈએ એટલે કે જૂના જમાનામાં અને આજે પણ તળપદી ગામડાઓની બહેનો અંબા માની તસવીરને ફૂલહાર ચઢાવી એને ખુરશી પર મૂકી દીવો અગરબત્તી કરે છે. અને માતાજીની આગળના ભાગમાં અનેક કાંણા વાળી એક માટલી મૂકીને એમાં માતાજીનો દીવો પ્રગટાવી માટલીને પણ હાર પહેરાવી સાધારણ કપડાંઓમાં અસલ ગરબા ને એવા લહેકા સાથે ગાય છે કે સાંભળનારાઓને એમજ લાગે કે માતાજીની સાચી ભક્તિ જ આ છે. એવા સુંદર, મીઠા અવાજ માં બહેનો ગરબે ઘૂમે. એમાં ના કોઈ માઇક, ના કોઈ સંગીત પાર્ટી, ના કોઈ ફેશનેબલ ડ્રેસ, બસ રોજીંદા કપડાં પહેરી સાચા હૃદય થી ગવાતા આ ગરબા મનને માતાજી ના ચરણો માં તલ્લીન કરી નાખે છે.
આ તો વાત થઈ પ્રાચીન એટલે (પુરાણી) પદ્ધતિથી ગવાતા ગરબાની. હવે વાત કરીએ અર્વાચીન ગરબાની એટલે કે આજના આધુનિક યુગના આધુનિક ગરબાની જેમાં ભક્તિ રસ ઓછો અને દેખાદેખીનો ક્રેઝ વધારે દેખાશે. જે ગરબા સાદી રીતે ગવાવા જોઇએ એ હવે ધંધાદારી બની ગયા છે. અને ધર્મ જ એક ધંધો બની ગયો હોય એમ લાખોના ખર્ચે ગ્રાઉન્ડો ભાડે રખાય છે. એમાં મોંઘા સ્ટેજ ઊભા કરી સાજીંદાઓને બેસાડાય છે અને એ બધાનો ખર્ચો કાઢવા મોંઘા ભાવના પાસ રાખી ગરબા રમવા આવનારાઓ ને બરાબર ખંખેરી લેવાય છે. આ છે આજના યુગની નવરાત્રી.
આ ચમકદમક અને ઝાકમઝોળ વાળા ગરબા ગ્રાઉન્ડોમાં હવે પ્રજા કાર્યો કરવામાં સદંતર નિષ્ફળ નીવડેલા નેતાઓને પણ ફેશનેબલ કપડાંઓ પર મોંઘા સેન્ટ છાંટી યુવાધન સાથે ગરબે ઘૂમવાના ઓરતા જાગ્યા છે. અને યુવાધનને આકર્ષિત કરવા આવા નેતાઓ ગરબે ઘૂમવા નીકળી પડે છે ત્યારે અહીં સવાલ એ થાય કે આજના યુવાધન આવા નેતાઓની હાજરીથી અને એમની સાથે પાડેલી તસવીરોથી એટલા બધા ઈમ્પ્રેસ થાય છે કે એ તસવીરો યુવાન-યુવતીઓ એમના ગ્રૂપ માં શેર કરી એટલા આનંદીત થાય છે કે જાણે ના પૂછો વાત.
આવી ઘેલછા (ક્રેઝ) રાખનારા યુવાધનને નથી મોંઘવારી, બેકારી કે વધતી જતી ગુન્હાખોરી સાથે કોઈ લેવા દેવા કે નથી પોતાના ભવિષ્ય ની ચિંતા. બસ એમને તો નેતાઓ સાથેની તસવીરો અને ખંધા નેતાઓ સાથે ગરબા રમવાની મજામાં જ એમનું કેરીયર સમાયેલું છે. ત્યારે આવા યુવાધનને પૂછવાનું મન થાય છે કે નેતાઓના ગરબા રમવાથી કે રમાડવાથી શું તમારા પરિવારનું ભલું થવાનું છે ખરું? શું આના થી ગુન્હાખોરી પર અંકુશ આવે ખરો? ઉપરથી ગુન્હાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે એમાંય ગૃહમંત્રીના આદેશ અનુસાર જ્યારે આખી રાત જો ગરબા ગવાતા રહેશે તો ગુન્હેગારોને ખુલ્લું મેદાન મળશે.
ઉપરાંત પોલીસને ઉજાગરા કરવા પડશે એનાથી પોલીસના સ્વાસ્થ્ય પર અસર પડશે એટલું જ નહીં થાકેલા પોલીસોની કામગીરી પર અસર પડતા પોલીસના ઉડશે ધજાગરા. આમ ધર્મને જ્યારે ધંધાની દ્રષ્ટિએ જોનારા માત્ર ને માત્ર પોતાની કમાણી પર જ નજર રાખે છે. ત્યારે અમારે એટલું જ કહેવું છે કે પ્રજાને ધર્મ નું આચરણ કરાવવામાં આવે ત્યાં સુધી વાંધો નથી અને હોવો પણ ના જોઈએ પરંતુ પ્રજાને ધર્મના રવાડે ચઢાવી ધર્મનું અફીણ પીવડાવી જ્યારે ધર્મઝનૂની બનાવવાના પેંતરાઓ થાય છે ત્યારે કોઈ અખબાર ક્યારેય ચૂપ બેસી રહી શકે નહીં.
અમે ધર્મ કોઈનો પણ હોય એનો ક્યારેય ભૂતકાળમાં વિરોધ કર્યો નથી. આજે પણ કરતા નથી અને ભવિષ્યમાં સાચા ધર્મનો વિરોધ નહીં કરીએ પરંતુ ધર્મના અંચળા હેઠળ યુવાધનને જ્યારે નષ્ટ કરવા અને પોતાની ખુરશી અંકે કરવા યુવાનોને ગેરમાર્ગે દોરવાનું પાપ કોઈ ચમરબંધી નેતા પણ કરશે ત્યારે અમે અમારા અખબારી ધર્મ બજાવવાથી ક્યારેય પાછા નહીં હઠીયે એ પણ ચોક્કસ છે.
છેલ્લે આવા ગરબે ઘૂમતા નેતાઓને અમારી એટલી જ અપીલ છે કે આજનું યુવાધન જ્યારે નશાની લતે ચઢયુ હોય ત્યારે એમાંથી યુવાધનને મુક્ત કરવાના પ્રયાસો કરવાને બદલે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપીને તમે જે જોખમો ઊભા કરી રહ્યા છો એ બંધ કરો બસ એજ અપીલ છે કારણ કે ભૂતકાળમાં અમદાવાદ ના જીએમડીસી ગ્રાઉન્ડ માં ગરબાના સમયે બનેલી એ ઘટનાને નજર સમક્ષ રાખી પ્રજાની સુરક્ષાનો પણ વિચાર કરશો તો એજ માતાજીની સાચી ભક્તિ કહેવાશે.
છેલ્લે હિન્દુત્વના સહારે ચૂંટણી જીતનારી ગુજરાત સરકાર હવે અમદાવાદના ગ્રાઉન્ડમાં જ્યાં મફત ગરબા રમાતા હતા એ ગ્રાઉન્ડમાં પણ હવેથી મફત એન્ટ્રી બંધ કરીને હિન્દુઓને જ ખંખેરી રહી છે.




