
જમ્મુ કાશ્મીરમાં ટીમ હાઇએલર્ટ પર રાજૌરીમાં ૪ દિવસથી સેના આતંકીઓ વચ્ચે અથડામણ આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા આ ‘ઓપરેશન શેરુવાલી‘ ના ચોથા દિવસે સેનાએ પોતાની પકડ વધુ મજબૂત કરી દીધી છે જમ્મુના રાજૌરી જિલ્લાના ગંભીર મુગલાન-ડોરીમલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી ભીષણ અથડામણ આજે ચોથા દિવસમાં પ્રવેશી છે. શનિવારે આ વિસ્તારમાં સુરક્ષા દળોનો પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાના ૨ થી ૩ આતંકવાદીઓ સાથે સામનો થયો હતો. ત્યારથી આ સમગ્ર ક્ષેત્રમાં સેના દ્વારા સઘન સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સોમવારે બપોરે પણ બંને પક્ષો વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો.
ગોળીબાર બાદ આતંકવાદીઓ ગાઢ જંગલો અને પહાડોની આડમાં છુપાઈ ગયા છે. સુરક્ષા દળોએ હવે વ્યૂહાત્મક રીતે સમગ્ર ડોરીમલ સેક્ટરની નાકાબંધી કરી દીધી છે. જંગલોમાં છુપાયેલા આતંકીઓનો સફાયો કરવા માટે સેનાના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સીઆરપીએફ (CRPF) ની સંયુક્ત ટીમો હાઈ-એલર્ટ પર છે.
આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા આ ‘ઓપરેશન શેરુવાલી‘ ના ચોથા દિવસે સેનાએ પોતાની પકડ વધુ મજબૂત કરી દીધી છે. દુર્ગમ અને ડુંગરાળ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે આ ઓપરેશનમાં અત્યાધુનિક હેલિકોપ્ટર અને સેનાના વિશેષ પેરા કમાન્ડોની મદદ લેવામાં આવી રહી છે. ગઈકાલે જે ચોક્કસ લોકેશન પર આતંકીઓ સાથે મુઠભેડ થઈ હતી, તે ગાઢ જંગલના વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા કમાન્ડો ટીમોને એરડ્રોપ કરવામાં આવી રહી છે. આ સિવાય આતંકીઓ ઘેરો તોડીને ભાગી ન જાય તે માટે હાઈ-ટેક ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તાર પર ૨૪ કલાક હવાઈ દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગઈકાલે જે સ્થળે એન્કાઉન્ટર થયું હતું ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને આતંકવાદીઓ દ્વારા છોડી દેવાયેલા શસ્ત્રો, વિસ્ફોટકો અને કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી લોહીના નિશાન પણ મળી આવ્યા છે. આના પરથી એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સેનાની જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછો એક આતંકવાદી ગંભીર રીતે ઘાયલ થયો છે અને તે જંગલમાં જ ક્યાંક છુપાયેલો છે. જાેકે, આ અંગે સેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.હાલમાં સુરક્ષા દળો ઓપરેશનને તેના અંતિમ તબક્કા સુધી પહોંચાડવા અને આતંકીઓનો ખાતમો કરવા માટે પૂરી તાકાતથી ઓપરેશન ચલાવી રહ્યા છે.



