
ઈન્ડિગોની ૫ ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ.ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે આખરે ઈન્ડિગો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
DGCA એ ઈન્ડિગો એરલાઈનની પાંચ ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. ઈન્ડિગો હાલ દેશભરમાં એક દિવસમાં ૨૨૦૦ ફ્લાઈટ્સ ચલાવે છે. હવે તેમાં ૧૧૦નો ઘટાડો કરાશે. સૂત્રો અનુસાર કઈ ફ્લાઈટ્સ ઓછી કરવામાં આવશે તેની યાદી હજુ તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર ઈન્ડિગોની જે ફ્લાઈટ્સ પર કાપ મૂકાશે તે સ્લોટ હવે અન્ય એરલાઇન કંપનીને આપવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી કામ કરી રહી છે. સ્થિતિની સમીક્ષા માટે સોમવારે ઉચ્ચ અધિકારીઓની બેઠક કરવામાં આવી. સરકારે હવાઈ મુસાફરોને થતી સમસ્યા જાણવા અધિકારીઓને એરપોર્ટ પર જઈ સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે.
સરકારનો દાવો છે કે પહેલી ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધીમાં ૭ લાખ ૩૦ હજાર ટિકિટ માટે ૭૪૫ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે. સાથે સાથે ઈન્ડિગોએ ૯ હજારમાંથી ૬ હજાર બેગ મુસાફરોને પરત પહોંચાડી દીધા છે. બીજી તરફ DGCA એ ઈન્ડિગોને શો કોઝ નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં ઈન્ડિગોએ ટેકનિકલ ખામી, શિયાળાના કારણે સમયમાં બદલાવ, ખરાબ વાતાવરણ, વધુ ભીડ અને ક્રૂને લઈને નવા નિયમોનો હવાલો આપ્યો છે.
શેર માર્કેટમાં પણ ઈન્ડિગોને નુકસાન થઈ રહ્યું છે. શેર માર્કેટમાં છેલ્લા સાત દિવસમાં ઈન્ડિગોના શેર ૧૭ ટકા તૂટ્યા છે. જેથી કંપનીની માર્કેટ વેલ્યૂ ૪.૩ અબજ ડોલર ઘટી છે.




