
( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દિલ્હીના તિલકનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે સડકની સપાટીનો એક ભાગ ઉખાડીને તેની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ દરમિયાન વીડિયો બનાવી રહેલા એક વ્યક્તિને દિલ્હીના લોક નિર્માણ વિભાગના મંત્રી પ્રવેશ વર્માએ થપ્પડ મારી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
લોકશાહીમાં સત્તા મેળવવી જેટલી મહત્વની બાબત છે, એટલી જ મહત્વની બાબત સત્તા મળ્યા પછી તેના ઉપયોગની મર્યાદા જાળવવાની છે. જનપ્રતિનિધિ માત્ર પોતાના પક્ષનો નેતા કે સરકારનો એક ભાગ નથી હોતો, તે જાહેર વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી તેના શબ્દો, નિર્ણયો અને વર્તન સામાન્ય નાગરિક કરતાં વધારે લોક જવાબદારી સાથે જોડાયેલા હોય છે. અને દિલ્હીની ઉપરોક્ત ઘટનાએ આ જ મૂળભૂત પ્રશ્નને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે કે અસહમતિ, ટીકા કે ઉશ્કેરણીનો જવાબ સત્તાધારીઓ પાસે હાથ ઉઠાવવાનો અધિકાર બની શકે કે કાયદો જ તેનો એકમાત્ર રસ્તો હોવો જોઈએ ?
લોકશાહીનું સૌંદર્ય જ એ છે કે તેમાં અસહમતિ માટે જગ્યા હોય છે. સરકારનું કામ સારું હોય તો તેની પ્રશંસા થશે અને કામમાં ખામી હોય તો સવાલ પણ પૂછાશે. ખાસ કરીને રસ્તા, પાણી, ગટર, વીજળી અને અન્ય જાહેર સુવિધાઓ માટે વપરાતું નાણું જનતાનું હોય છે. તેથી જનતા કે તેના પ્રતિનિધિને જાહેર કામની ગુણવત્તા અંગે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. જો સવાલ ખોટો હોય તો સરકાર પાસે દસ્તાવેજો અને તપાસના આધારે જવાબ આપવાનો રસ્તો છે. જો સવાલ સાચો હોય તો ખામી સુધારવાની જવાબદારી છે. પરંતુ સવાલ પૂછનારને ડરાવવો કે તેને તમાચો મારી દેવો એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી.
આ બાબતે મંત્રી તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે સંબંધિત વ્યક્તિએ તેમના પરિવાર અંગે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ ફરિયાદી પક્ષે આ ઘટનાને જનપ્રતિનિધિ દ્વારા સત્તાના દુરુપયોગ તરીકે રજૂ કરી અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે અહીં સૌથી અગત્યની વાત એ છે કે કોઈ વ્યક્તિ ખરેખર અપમાનજનક ભાષા વાપરે તો પણ તેનો જવાબ શારીરિક હુમલો નથી. અપશબ્દોનો જવાબ વળતી ફરિયાદથી આપી શકાય છે. પરંતુ સત્તાના નશામાં મારેલી થપ્પડ નાગરિકની સુરક્ષા પર સવાલ પેદા કરે છે.




