
ભારતીય વાયુસેનાએ આંકડા ફગાવ્યા ભારતના ૩૬માંથી ૪ રાફેલ જેટ ગુમ થયાનો દાવો : બ્રિટિશ મેગેઝિનના રિપોર્ટથી વિવાદ પાકિસ્તાની મીડિયાએ પોતાના દાવા સાથે જાેડ્યા આંકડા, ભારતે તમામ ૩૬ વિમાન ઉપલબ્ધ હોવાનો પક્ષ રજૂ કર્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે મે ૨૦૨૫માં થયેલા સૈન્ય સંઘર્ષ બાદ રાફેલ ફાઇટર જેટને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. બ્રિટિશ એવિએશન મેગેઝિન ફ્લાઇટગ્લોબલની તાજેતરમાં પ્રકાશિત વર્લ્ડ એર ફોર્સીસ ડિરેક્ટરી ૨૦૨૭માં ભારતીય વાયુસેના પાસે ૩૬ને બદલે માત્ર ૩૨ રાફેલ વિમાન હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ આંકડા સામે આવતાં જ પાકિસ્તાની મીડિયા અને ભારતના વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જાેકે, ભારતીય સંરક્ષણ વર્તુળો અને ભૂતપૂર્વ વાયુસેના અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો છે.
બ્રિટિશ મેગેઝિન ફ્લાઇટગ્લોબલ દ્વારા એમ્બ્રેરના સહયોગથી તૈયાર કરવામાં આવેલી વર્લ્ડ એર ફોર્સીસ ડિરેક્ટરી ૨૦૨૭માં ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનોની સંખ્યા ૩૨ દર્શાવવામાં આવી છે. જ્યારે ભારતે ફ્રાન્સ પાસેથી કુલ ૩૬ રાફેલ વિમાનો ખરીદ્યાં હતાં.
નોંધનીય છે કે નવેમ્બર ૨૦૨૫માં પ્રકાશિત થયેલી અગાઉની આવૃત્તિમાં ૩૫ રાફેલ વિમાનો સક્રિય હોવાનું દર્શાવાયું હતું. નવી આવૃત્તિમાં આ સંખ્યા ઘટાડીને ૩૨ કરવામાં આવી છે. જાેકે, આ ઘટાડા પાછળનું ચોક્કસ કારણ કે કોઈ આધારભૂત પુરાવો રિપોર્ટમાં આપવામાં આવ્યો નથી.
રિપોર્ટ પ્રકાશિત થતાં જ પાકિસ્તાની મીડિયાએ તેને મે ૨૦૨૫ના સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારતનાં ચાર રાફેલ વિમાનો તોડી પાડવાના પોતાના દાવા સાથે જાેડ્યો છે. પાકિસ્તાનના આ દાવા અગાઉથી જ વિવાદાસ્પદ રહ્યા છે. જાેકે, માત્ર ફ્લાઇટગ્લોબલના આંકડાથી ચાર રાફેલ વિમાનો તોડી પડાયાં હોવાનું સાબિત થતું નથી.
ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વાઇસ ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી (નિવૃત્ત)એ આ રિપોર્ટના આંકડાઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ આંકડાઓને સ્પષ્ટપણે ખોટા ગણાવી મેગેઝિનને પોતાના માહિતીના સ્ત્રોતોની ફરી તપાસ કરવાની સલાહ આપી હતી.
તેમના જણાવ્યા અનુસાર, અગાઉ પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરાયેલા રાફેલ વિમાનોના ચોક્કસ ટેલ નંબરો પણ સામે આવ્યા હતા. જાેકે, તે જ નંબર ધરાવતા વિમાનો બાદમાં આંતરરાષ્ટ્રીય કવાયતો અને અન્ય પ્રસંગોએ જાેવા મળ્યાં હતાં.
આ વિવાદ વચ્ચે જૂન ૨૦૨૬માં ભારતીય વાયુસેના દ્વારા તમામ ૩૬ રાફેલ વિમાનો માટે ટેકનિકલ અને લોજિસ્ટિક્સ સપોર્ટ સંબંધિત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે. આ મુદ્દાને ૩૬ વિમાનોના કાફલાની સ્થિતિ અંગેના દાવાના સમર્થનમાં રજૂ કરવામાં આવ્યો છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય એવિએશન ડેટાબેઝમાં દર્શાવાતી સક્રિય વિમાનોની સંખ્યા અને કોઈ દેશ પાસે રહેલા કુલ વિમાનોની સંખ્યા અલગ હોઈ શકે છે. નિયમિત મેન્ટેનન્સ, અપગ્રેડેશન કે સમારકામના કારણે પણ સક્રિય વિમાનોની સંખ્યા બદલાઈ શકે છે.




