
દિગ્ગજ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી શુભમન ગિલ વનડેમાં ૧૦ બેવડી સદી ફટકારશે, ટી૨૦માં પણ કરશે કમબેક મોહમ્મદ કૈફે ગિલના વખાણ કરતા કહ્યું કે, આ ખેલાડી પોતાનું કરિયર ખતમ થાય ત્યાં સુધીમાં ૧૦ બેવડી સદી ફટકારશે શુભમન ગિલ હાલ પોતાના કરિયરના શાનદાર ફોર્મમાં છે. ભારતીય કેપ્ટને વેસ્ટ ઇન્ડિઝ સામે વનડે સીરિઝમાં તેનો પુરાવો પણ આપ્યો. જમણાં હાથના આ ઓપનરે પહેલી મેચમાં સદી ફટકારી જ્યારે બીજી મેચમાં તેણે બેવડી સદી ફટકારી હતી. શુભમને ગુવાહાટી વનડેમાં અણનમ ૨૨૩ રનની ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને વનડેમાં પહેલીવાર ૪૦૦થી વધુનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો. શુભમન ગિલની જાેરદાર બેટિંગ જાેયા પછી હવે એ સવાલો ઊભા થઈ રહ્યાં છે કે આ ખેલાડી કરિયર પૂર્ણ થાય ત્યાં સુધીમાં કેટલી બેવડી સદી ફટકારી શકે છે. તેનો જવાબ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે આપ્યો છે.
મોહમ્મદ કૈફે શુભમન ગિલના વખાણ કરતા કહ્યું કે, “આ ખેલાડી પોતાનું કરિયર ખતમ થાય ત્યાં સુધીમાં ૧૦ બેવડી સદી ફટકારશે. તેણે એક વીડિયોમાં દાવો કર્યો કે ગિલ વનડે ફોર્મેટમાં જ વધુ આઠ બેવડી સદી ફટકારશે. ગિલ પહેલા જ ૨ બેવડી સદી ફટકારી ચૂક્યો છે અને કૈફ અનુસાર આ ખેલાડી વધુ આઠ બેવડી સદી ફટકારવાનો છે.
કૈફનું માનીએ તો ગિલનો શોટ રમવાનો વિસ્તાર ઘણો મોટો છે અને તે જલદી જ ટી૨૦ ફોર્મેટમાં પણ કમબેક કરશે.”
શુભમન ગિલ વર્ષ ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. દુનિયાના નંબર ૧ વનડે બેટ્સમેને આ વર્ષે ૧૦ ઇનિંગમાં ૮૯૪ રન ઠોકી દીધા છે. ગિલની બેટિંગ સરેરાશ ૧૨૭.૭૧ છે અને તેની સ્ટ્રાઇક રેટ ૧૧૯.૫૨ની છે. ગિલ ૩ સદી અને પાંચ અડધી સદી ફટકારી ચૂક્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ ૩ ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં રમાશે, આ મેચમાં શુભમન ગિલ પાસે એક મોટો રેકોર્ડ બનાવવાની તક હશે. અત્યાર સુધી કોઈ ભારતીય ક્રિકેટર ત્રણ મેચની વનડે સીરિઝમાં ત્રણ સદી ફટકારી શક્યું નથી. વિરાટ કોહલીએ એક સીરિઝમાં બે વાર ત્રણ-ત્રણ સદી ફટકારી છે, પરંતુ આ સીરિઝ પાંચ અને છ મેચની હતી. ગિલે જાે ત્રીજી મેચમાં પણ સદી ફટકારી તો તે ત્રણ મેચની વનડે સીરિઝમાં ત્રણ સદી ફટકારનાર પહેલો ભારતીય ક્રિકેટર હશે. ગિલ જે પ્રકારના ફોર્મમાં છે તે જાેતા લાગી રહ્યું છે કે તે આ કામ કરી શકે છે.




