
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો ર્નિણય.ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો ર્નિણય.મધ્ય પૂર્વના યુદ્ધના કારણે સર્જાયેલી ગેસ કટોકટી વચ્ચે ૨૩ માર્ચથી રાજ્યોને કોમર્શિયલ ગેસનો પુરવઠો ૫૦% સુધી અપાશે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશમાં ઊભી થયેલી ઉર્જા કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. શનિવારે (૨૧ માર્ચ) સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપાતા કોમર્શિયલ LPG ગેસના ક્વોટામાં ૨૦% નો વધારો કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય બાદ હવે ૨૩ માર્ચથી રાજ્યોને કોમર્શિયલ ગેસનો કુલ પુરવઠો કટોકટી પહેલાના સમયના ૫૦% જેટલો મળવા લાગશે. સરકારનો મુખ્ય હેતુ હોટલ, રેસ્ટોરાં, હોસ્પિટલ અને કોમ્યુનિટી કિચન જેવી આવશ્યક સેવાઓને અટકતી રોકવાનો અને સામાન્ય જનતાને રાહત આપવાનો છે. આ સાથે જ સરકારે ગેસની કાળાબજારી રોકવા કડક કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વધારવામાં આવેલો આ ૨૦% LPG નો જથ્થો એવા વિસ્તારોમાં સૌથી પહેલા અપાશે જ્યાં તેની સખત જરૂર છે. ખાસ કરીને રેસ્ટોરાં, ઢાબા, હોટલો, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, સરકારી સબસિડીવાળી કેન્ટીન અને શ્રમિકો માટેના ૫ કિલોના સિલિન્ડરને પ્રાથમિકતા આપવામાં આવશે.
શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને કુલ કોમર્શિયલ LPG નો લગભગ ૫૦ ટકા હિસ્સો આ ક્ષેત્રોને જ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, કટોકટીના કાયમી ઉકેલ રૂપે સરકાર હવે PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) ના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે, જેના માટે ફરજિયાત નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે, કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ અત્યાર સુધીમાં ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ નોન-ડોમેસ્ટિક (કોમર્શિયલ) LPG ના સપ્લાય માટે ઓર્ડર કાઢી દીધા છે. સરકારી તેલ કંપનીઓ બાકીના રાજ્યોમાં પણ ગેસ પહોંચાડી રહી છે. માત્ર છેલ્લા એક અઠવાડિયાની જ વાત કરીએ તો, દેશભરમાં આશરે ૧૩,૪૭૯ મેટ્રિક ટન કોમર્શિયલ LPG સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે. સરકારે ખાતરી આપી છે કે યુદ્ધ જેવી આ કપરી પરિસ્થિતિમાં પણ ઘરમાં વપરાતા રાંધણ ગેસ (ઘરેલુ LPG) અને PNG ના સપ્લાયને કોઈ અસર નહીં થવા દેવાય અને તેને ટોચની પ્રાથમિકતા પર રખાશે.
જ્યારે પણ કોઈ વસ્તુની અછત વર્તાય ત્યારે સંગ્રહખોરી વધતી હોય છે.
આ ગેસ કટોકટીનો ગેરલાભ ઉઠાવતા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. LPG ની કાળાબજારી રોકવા માટે દેશભરમાં સઘન ચેકિંગ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ૩,૫૦૦ થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ૧,૪૦૦ જેટલા સિલિન્ડર જપ્ત કરાયા છે. એટલું જ નહીં, સપ્લાય ચેઈન ખોરવાય નહીં અને ગેસ સરળતાથી મળતો રહે તે માટે તેલ કંપનીના અધિકારીઓએ ૨,૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ પણ કર્યું છે.




